Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરેન્દ્રનગર : હાઇવે પર ચોરીઓ કરતી ગેંગના બે સાગરિત ઝડપાયા

કાર રોકીને તલાશી લેતા એક આરોપી નાસી છૂટયો : રૂ. ૧.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે

વઢવાણ તા. ૧૩ : જિલ્લામાંથી પસાર થતાં ધ્રાંગધ્રા-વિરમગામ, અમદાવાદ-રાજકોટ, ધ્રાંગધ્રા-માલવણ સહિતના હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર ચાલુ વાહનોની તાડપત્રી કાપી તેમાં રહેલ મુદ્દામાલની ચોરીના બનાવો વધી રહ્યાં હતાં જેની ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી તેમજ ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ બજાણા પીએસઆઈ વી.એન.જાડેજા સહિતના સ્ટાફે નાઈટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે હાઈવે પર ચાલુ વાહનોમાં ચોરી કરતી ગેંગનો નાસતો ફરતો આરોપી રોમીઝખાન ઉર્ફે રોકી મહંમદખાન ઉર્ફે રાજભા જતમલેક રહે.ગેડીયા તા.પાટડીવાળો પોતાના સાગરીતો સાથે ચાલુ વાહનોમાં ચોરી કરેલ માલ-સામાન વેચવા કારમાં ગેડીયાથી વાયા ખેરવાથી જેજરી થઈ વણા તરફ જતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં નાસતો ફરતો આરોપી રોમીઝખાન ઉર્ફે રોકી મહંમદખાન અંધારો લાભ લઈ નાસી છુટયો હતો.

જયારે કારમાં સવાર અન્ય બે શખ્સો વસીમખાન ઉર્ફે ઉદુભા નગરખાન જતમલેક ઉ.વ.૨૩, રહે.ગેડીયા તથા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા રાજેન્દ્રસિંહ રાણા ઉ.વ.૨૪ રહે.વણા તા.લખતરવાળાને ચોરીના અલગ-અલગ શર્ટ, લેડીઝ ગાઉન, છરી, કટર, બેરીંગ ચક્કર, પ્લાસ્ટીકનો કેરબો રૂ.૧,૯૭,૩૫૦ તથા કાર કિંમત રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૯૭,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં.

જયારે ઝડપાયેલ આરોપીઓની પુછપરછ કરતાં નાસી છુટેલ આરોપી ગેડીયા ગેંગનો હોવાની કબુલાત કરી હતી અને સાથે મળી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:21 am IST)