Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ

વઢવાણ-આટકોટઃ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રી ફલેગ આપી દસ ગામ દીઠ એક ફરતું દવાખાનાની બે મોબાઈલ પશુ વાનને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દસ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનુ શરૂ કરી એક નવી પહેલ કરવામાં આવી છે. પશુઓને લગતી સારવરા નિઃશુલ્ક રહેણાંકના સ્થળે જ મળી રહે તે માટે ૧૦ ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનુ એટલે કે જીવીકે ઈએમઆરઆઈ યોજના અમલી બનાવાઈ છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ ૬ મોબાઈલ પશુ વાહન આપવામાં આવ્યા હતા. જ્યારે આજરોજ વધુ ૨ મોબાઈલ પશુ વાહનો  આપતા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૮ જેટલા મોબાઈલ પશુ વાહનની સુવિધા ઉપલબ્ધ બની છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે પશુપાલકોને તેમના પશુઓની તાત્કાલીક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ જાહેર કરવામાં આવેલ છે. જેના ઉપર કોલ કરવાથી પશુપાલકોના પશુઓ માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બનશે અને પશુસંવર્ધન તથા વિસ્તરણ સારી રીતે કરી શકાશે. આ પ્રસંગે સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મંુજપરા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્યો સર્વશ્રી ધનજીભાઈ પટેલ અને પુરૂષોતમભાઈ સાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. હુડ્ડા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, અગ્રણી સર્વશ્રી ભાસ્કરભાઈ, સુરેશભાઈ, આંબાભાઈ, સતીષભાઈ, પશુપાલન અધિકારીશ્રી અને જીવીકેની ટીમ ઉપસ્થિત રહી હતી. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ, વિજય વસાણી-આટકોટ)

(11:24 am IST)