Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ધનતેરસના ભગવાન ધન્વંતરી અને લક્ષ્મીપૂજન

દિવાળી પર્વની ઉજવણીનો જામતો માહોલ : કોરોના મહામારી વચ્ચે પણ મહાપર્વ ઉજવવા થનગનાટ

જામનગરમાં ધન્વંતરી ભગવાનનું પૂજન અર્ચન : જામનગરઃ જામનગરમાં આજે ધનતેરસ ભગવાન ધનવતરી ની પૂજા નો દિવસ આજના દિવસ ને આર્યુવેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આર્યુવેદના સ્વર્ગ સમાં જામનગરમાં ભગવાન આર્યુવેદની પ્રતિમા નું પૂજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી ડો.વૈદ્ય રાજેશ કોટેચા, કુલપતિ પ્રો. અનુપ ઠાકર, ડો. જયેશ પરમાર ઇન.પ્રિન્સિપાલ ડો. અર્પણ ભટ્ટ દ્વારા ભગવાન ધન્વંતરી ની શાસ્ત્રોકત વિધિ થી પૂજા આરતી કરવામાં આવી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃકિંજલ કારસરીયા જામનગર)(૨૨.૧૩)

રાજકોટ,તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે દિપાવલી પર્વ અંતર્ગત ધનતેરસની ઉજવણી  કરવામાં આવી રહી છે. આજે ભગવાન ધન્વંતરી અને લક્ષ્મીપૂજનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

દિવાળી પર્વની ઉજવણીનો માહોલ જામતો જાય છે.અને કોરોના મહામારી વચ્ચે પણ મહાપર્વ ઉજવવામાં લોકોમાં થનગનાટ છે.

દેવી લક્ષ્મી ધનતરેસના અધિષ્ઠાત્રી છે. તેથી આ દિવસે લક્ષ્મીનું અર્ચન -પૂજન કરાય છે. સંધ્યાટાણે કે યોગ્ય મુહૂર્તે દીપ પ્રગટાવી, ધનના પ્રતિકરૂપ સોના -ચાંદીના સિક્કા, ગૌધન, પશુધન શ્રીયંત્ર વગેરેનું પૂજન કરાય છે. ધન ધોવાય છે. ધન ધોવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મીનો સદુપયોગ કરી, સાચા માર્ગે સાત્વિક ધન કમાવાનો સંકલ્પ કરવો માલધારીઓ પોતાના ગાય ઘેટાના 'ધણ'ને શણગારીને ઉજળી સંપતિનો આદર્શ પ્રસ્તુત કરે છે. આ દિવસે લક્ષ્મીની સાથે દેવી સરસ્વતીનું પણ પૂજન થાય છે. વેપારીઓ ચોપડામાં સાથિયો દોરી શ્રીાા' શુભ લખાણ કરી તેનું પૂજન કરે છે. 'ધનતેરસ ને યમતેરસ' પણ કહે છે. આ પર્વે અકાળ મૃત્યુ નિવારવા સંધ્યાટાણે યમરાજા આગળ તેલના દીવા પ્રગટાવાય છે. લક્ષ્મીપૂજન અને વૈદિક 'શ્રીસૂકત'નો પાઠ કરાય છે. લક્ષ્મીનો ગાયત્રીમંત્ર ઉચ્ચારાય છે : ઓમ્ મહાલક્ષ્મીં ચ વિહ્મહે વિષ્ણુપત્નીં ચ ધીમહિ ા તન્નો લક્ષ્મીઃ પ્રચોદયાત્ ાા આ દિવસે ભગવાન ધન્વંતરિનું પ્રાગટ્ય થયું તેથી ધનતેરસ ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવાય છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ : બજારમાં મંદીના માહોલ વચ્ચે દિવાળીની દસ્તક થતાં હવે મોડે મોડે ઘરાકી નીકળી છે. જેના કારણે વેપારીઓના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે. દિવાળી તહેવાર આડે ફકત બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે જસદણની વિવિધ બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટતાં પોલીસે પણ ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે.શહેરના પટેલ સુપર મોલના સંચાલક હરિભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે ઓનલાઇન વેપાર વચ્ચે થોડી ઘરાકી રહી છે તેને કારણે બજારમાં થોડી જ ચમક છે જોઇએ  એવી ઘરાકી નથી.

(11:26 am IST)