Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સાખડાસર-૧ ગામે પુત્રની હત્યા કરી પિતાએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા

તળાજા પંથકની ગમારા પરિવારની ઘટના : ગાંજો પીને ઝઘડો કરવાની ટેવ ધરાવતા આઠ દિવસ પહેલા : ગાય દોતા પિતાને પુત્રએ લાકડી ફટકારી હતી, એ જ લાકડી પિતાએ પુત્રને ફટકારી, મોતને ભેટતા ખાટલા પર સુવરાવી જાણે કશું જ ન બન્યું હોય તેમ પિતા ઘેટાં ચરાવવા લાગ્યા ગયા હતા !! : પરિવાર અને ગ્રામજનોને કહ્યું ધાબા પરથી પડી જતા મોત થયું છે : આઠમાં દિવસે પોલીસને બાતમી મળતા ભાંડો ફૂટયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : માતા પિતા ને ચેતવણી રૂપ કહી શકાય તેવો પિતાના હાથે યુવાન પુત્રની હત્યાનો બનાવ હત્યાના આઠમા દિવસે પ્રકાશમાં આવ્યો છે. તળાજાના સાખડાસર -૧ ગામે આઠ દિવસ પહેલા પિતાએ મારેલ લાકડીના એકજ ફટકાથી ગાંજાના નશાથી અસ્થિર મગજનો યુવાન પુત્ર મોતને ભેટ્યો હતો. મોતની સોડ તાણી ચૂકેલા પુત્રને ખાટલે સુવરાવી પિતા ઘેટાં ચારવા ચાલ્યા ગયા હતા. જાણે કશું જ બન્યું નહોય તેમ. બાદમાં પુત્ર ધાબા પરથી પડી જતા મોતને શરણ થયેલ હોવાનું પરિવાર અને ગ્રામજનોને કહી અંતિમ વિધિપણ કરી નાખી હતી. બનાવના આઠમા દિવસે પોલીસને બાતમી આપતા પુત્રની હત્યા કરનાર પિતાની પૂછપરછ કરતા આખરે ગુન્હો કબૂલી લેતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે.

પુત્રના લક્ષણ પારણાં માંથી કહેવત છે. જો તેના લક્ષણ સમજીને તેને ટપારવામાં અને સુધારવામાં ન આવેતો પરિવારજનો માટે સહારાના બદલે પુત્ર આફત બની શકે તેવી ઘટના તળાજાના સાખડાસર-૧ગામે બનવા પામી છે.તળાજા પોલીસ પાસેથી અચરજ પમાડતી ઘટનાની મળતી વિગતો મુજબ સાખડાસર-૧ગામે રહેતા પશુપાલનનો વ્યવસાય કરતા રૂપાભાઈ વશરામભાઈ ગમારા ઉ.વ ૫૦ ની ઇન્ચાર્જ એ.એસ.પી વિજયસિંહ ગુર્જરે અટકાયત કરી ગત મોડી રાત્રીના તળાજા પોલીસ મથકે લઈ આવેલ.

 પોલીસને બાતમી મળી હતીકે પશુપાલક રૂપાભાઈ ગમારાએ પોતાના સગા દીકરા ગોપાલ ઉ.વ.૨૧ની આઠ દિવસ પહેલા હત્યા કરી ને અકસ્માતે મોતમાં ખપાવી પી.એમ. નકરાવી પરિવાર અને ગ્રામજનો ની હાજરી વચ્ચેજ અંતિમ વિધિ કરી નાખી છે

પોલીસ મથકે લઈ આવેલ રૂપાભાઈ ગમારાની બાતમીની રાહે પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે પોતાનો પુત્ર છેલ્લા બે વર્ષથી માનસિક અસ્થિરતા ધરાવે છે. ગાંજા નો બંધાણી થઈ જવાથી તે માનસીકતા પર અસર થઈ છે. ગત.તા ૩ /૧૧ ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે આખ્યાન જોઈને ઘરે આવેલ.એ સમયે રૂપાભાઈ પોતે ગાય દોહી રહ્યા હતા. પુત્ર ગોપાલ એ આવતા વેંત મને રૂપિયા કેમ ન આપ્યા તેમ કહી અપશબ્દો પિતાને કહેવા લાગેલ. પિતાએ ના પાડતા ઉશ્કેરાઈ પુત્રએ પિતાને લાકડીનો એક ઘા મારેલ.પુત્રએ લાકડી મારતા એજ લાકડી લઈ પુત્રને મારતા માથાના તાળવાના ભાગે વાગતા પુત્ર ગોપાલ બેભાન થઈ પડી ગયો હતો. એ સમયે રૂપાભાઈના પત્ની,દીકરીઓ બધાજ સુતા હતા.તેનો લાભ લઇ મોતને ભેટેલ દીકરા ગોપાલ ને ખાટલા પર સુવરાવી ઘેટાં લઈ ચરાવવા વહેલી સવારે જ જાણે કશુંજ બન્યું નથી તે રીતે નીકળી ગયા હતા.

બપોરે પરિવારજનો દ્વારા ગોપાલ બે ભાન થઇને પડ્યો છે તેવા સમાચાર મળતા રૂપાભાઈ ઘરે આવેલ. સૌને ધાબા પરથી પડી જવાથી મૃત્યુ પામેલ છે તેમ કહી સમજવી અંતિમ વિધિ પણ શાસ્ત્રોકત વિધિથી કરી નાખી હતી.

પોલીસે આ બનવામાં આરોપી રૂપાભાઈ નેજ પુત્ર ની હત્યા ના ફરિયાદી પણ બનાવ્યા છે.હત્યાના કામે આરોપી અને ફરિયાદી બંને એકજ હોય તેવો ભાગ્યેજ નોંધતો ગુન્હો નોંધાયો છે.જેમાં પોલીસે હત્યા,પુરાવા નોનાશ,પોલીસ ને જાણ ન કરવાની કલમ ૩૦૨,૨૦૧,૨૦૨ આઈ.પી.સી કલમ મુજબ ગુન્હો નોંધેલ છે.

  • ગોપાલ વિરૂધ્ધ સુરતમાં હત્યાની કોશિષ લૂંટનો ગુન્હો નોંધાયેલ છે

આઠ દિવસ પહેલા પુત્રની હત્યા કરી અકસ્માતમાં ખપાવી અંતિમ વિધિ કરવાના બનાવનો ભેદ ખોલનાર પોલીસ અધિકારી વિજયસિંહ ગુર્જર એ જણાવ્યું હતું કે મરણ જનાર ગોપાલ વિરુદ્ઘ સુરતમાં હત્યાની કોશિશ અને લૂંટની ફરિયાદ નોંધાઈ છે. હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.

  • દીકરાને માર્યાનો રંજ નથી

રૂપાભાઈને પોલીસે હાલ કસ્ટડીમાં લીધા છે.તેના ચહેરા પર પુત્રને માર્યાનો રંજ નથી. પુત્ર ગામમાં અને પરિવારમાં સૌ કોઈ સાથે ઝઘડો કર્યા કરતો હતો.ગાંજાની લતે તેની માનસિક સ્થિતિ ખરાબ કરી નાખી હતી. લોકો ખૂબ ફરિયાદ કરતા હતા. હું લાચાર હતો. જો પિતાએ પહેલાંજ ગાંજાની લતે ચડેલા પુત્રને વાળ્યો હોત તો આ અંજામ ન આવત.

(11:27 am IST)