Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મોરબીના બેલા ગામમાં મુરગીના ધંધાર્થી આરીફ સૈયદના હુમલામાં ઘાયલ રમણભાઇનું મોતઃ બનાવ ખૂનમાં પલ્ટાયો

રમણભાઇની પુત્રવધૂ અને ગામનો યુવાન શંકર ઉર્ફ દિનેશ ૯મીએ પાણીપુરી ખાવા ગયા ત્યારે એ જ લારીએ નાસ્તો કરી રહેલા આરીફે ગેરસમજને લીધે શંકરને ફટકારતાં રમણભાઇ વચ્ચે પડતાં તેના પર હુમલો થયો હતોઃ રમણભાઇએ રાજકોટમાં દમ તોડ્યો : પાણીપુરી ખાઇ રહેલી પરિણીતાએ દિયરને કહ્યું-'મારા સસરા પાછળ આવે છે' ત્યારે બાજુમાં નાસ્તો કરતાં આરીફને થયું પોતે પાછળ આવે છે એવી તેણી ખોટી ફરિયાદ કરે છે...આ કારણે થયેલો ઝઘડો નિર્દોષની હત્યાનું કારણ બન્યો

રાજકોટ તા. ૧૩: મોરબીના બેલા ગામે ફેકટરીમાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં પુત્ર, પુત્રવધૂ સાથે રહેતાં મુળ અરવલ્લી જીલ્લાના મુલોજ ગામના રમણભાઇ મથુરભાઇ ખાંટ (ભીલ) (ઉ.વ.૪૫) પર ગત ૯મીએ સાંજે મોરબીના મુસ્લિમ શખ્સે આરીફે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન રમણભાઇનું રાજકોટમાં મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. રમણભાઇની પુત્રવધૂ કોૈટુંબીક દિયર સાથે પાણીપુરી ખાતી હતી ત્યારે પુત્રવધૂએ દિયરને 'મારા સસરા પાછળ આવે છે' તેમ કહેતાં આરીફને સમજાયેલુ કે પોતે આ મહિલાની પાછળ આવે છે તેવી તેણી ખોટી ફરિયાદ કરે છે...આ કારણે તેણે ઝઘડો કર્યો હતો. જેમાં રમણભાઇ વચ્ચે પડતાં તેના પર હુમલો કરાયો હતો.

આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે તા. ૧૦/૧૧ના રોજ મુળ અરવલ્લી જીલ્લાના મોડાસા તાબેના મુલોજ ગામના વતની અને હાલ મોરબીના બેલા ગામે પીપળી રોડ પર આવેલી સ્પેનો સિરામીકની ઓરડીમાં રહી ત્યાં જ કારખાનામાં મજૂરી કરતાં શંકર ઉર્ફ દિનેશ ખુમાભાઇ ખાંટ (ભીલ) (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી મોરબીના આરીફ આલમશા સૈયદ સામે આઇપીસી ૩૨૩, ૩૨૬, ૩૪૧, ૫૦૪, ૫૦૬ (૨), ૨૯૪ (ખ) મુજબ ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રમણભાઇ મસાભાઇ ખાંટ (ઉ.વ.૪૫)નું મોત નિપજતાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે.

શંકર ઉર્ફ દિનેશે ફરિયાાદમાં જણાવ્યું હતું કે હું અને કુટુંબી રમણભાઇ ખાંટ સ્પેનો ફેકટરીમાં મજૂર કોન્ટ્રાકટર તરીકે નોકરી કરીએ છીએ. રમણભાઇ સાથે તેનો દિકરો કિરણ તથા કિરણની ઘરવાળી કાજલ પણ કારખાનાની ઓરડીમાં રહે છે. જેમાં હું, કિરણ અને કાજલ આઉટ ટેબલ વિભાગમાં નોકરી કરીએ છીએ. તા. ૯/૧૧ના સાંજે સાડા સાતેક વાગ્યે હું કિરણભાઇની પત્નિ કાજલ જે મારા કુટુંબી ભાભી થાય છે તેની સાથે પીપળી રોડ પર સેલ્જા સિરામીક બહુચર વે બ્રીજ પાસે પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયા હતાં.

અમે બંને પાણીપુરી ખાઇ રહ્યા હતાં ત્યારે ભાભી કાજલે કહેલ કે મારા સસરા રમણભાઇ આપણી પાછળ આવે છે. ત્યાં એક અજાણ્યો માણસ પાણીપુરી ખાવા આવેલો હતો તેને એવું લાગ્યું કે મારી ભાભી કાજલબેને આ માણસ પાછળ આવે છે એવી ફરિયાદ કરી છે. આથી એ અજાણ્યા છોકરાએ મારો કાઠલો પકડી મને બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી અને કહેલું કે આ છોકરી ખોટુ બોલે છે, તું તારા ઘરેથી અત્યારે જ કોઇ મોટા વ્યકિતને બોલાવ.

આથી ભાભી કાજલબેન ભાગીને સ્પેનો કારખાને ગયેલ અને તેના સસરા રમણભાઇને પાણીપુરીવાળાની લારીએ મોકલ્યા હતાં. રમણભાઇએ અજાણ્યા શખ્સને 'શું થયું?' તેમ પુછતાં તેણે રમણાઇને ગાળો દીધી હતી. ગાળો બોલવાની ના પાડતાં તે ઝાપટો મારવા માંડ્યો હતો. જેથી રમણભાઇ એ શખ્સના એકટીવા પર પડી ગયા હતાં. ઉભા થતાં ફરીથી તેણે ઝાપટો અને પાટાનો માર માર્યોહતો. કાંઠલાની પકડ છુટી જતાં રમણભાઇ જમીન પર પછડાતાં માથા પાછળના ભાગે ઇજા થઇ હતી. તે ઉભા થઇ ભાગવા જતાં બીજા માણસો પણ આવી ગયા હોઇ મારકુટ કરનારો શખ્સ પણ હું તને જોઇ લઇશ, જાનતી મારી નાંખીશ...તેવી ધમકી આપી ભાગી ગયો હતો.

રમણભાઇને મોઢા, દાંતમાં ઇજા થઇ હતી. અમે તેને કારખાનાની ઓરડીએ લઇ ગયા હતાં અને સુવડાવી દીધા હતાં. કાજલભાભી, તેનો પતિ કિરણ અને હું રાતે કામે જતાં રહ્યા હતાં. ૧૦મીએ સવારે કિરણભાભીએ આવી પપ્પા રમણભાઇ જાગતા નથી તેમ વાત કરતાં અમે ઓરડીએ જતાં તે બેભાન મળ્યા હતાં. જેથી શેઠને વાત કરતાં મોબી દવાખાને લઇ ગયા હતાં. ત્યાંથી રાજકોટ સિવીલમાં ખસેડાયા હતાં.

એ પછી તપાસ થતાં રમણભાઇને મારકુટ કરનારો શખ્સ મોરબીનો હોવાનું અને સ્પેનો કારખાનાથી થોડે દૂર મુરગીનો ધંધો કરતો આરીફ આલમશા સૈયદ હોવાની ખબર પડતાં મોરબી તાલુકા પોલીસમાં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. રમણભાઇ રાજકોટ બેભાન હાલતમાં સારવારમાં હતાં. 

મોરબી તાલુકા પીએસઆઇ આર. એ. જાડેજાએ જે તે વખતે ગુનો નોંધી આરીફની ધરપકડ કરી હતી અને તે જેલહવાલે થયો હતો. સારવાર દરમિયાન રમણભાઇનું રાજકોટમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમતાં ઇન્ચાર્જ શ્રી જેઠવા સહિતે કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો.

હત્યાનો ભોગ બનનનાર રમણભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતા. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:29 am IST)