Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૩૦૪ કરોડના જીએસટી કૌભાંડમાં પકડાયેલા જૂનાગઢના સંજય મશરૂની જામીન અરજી ફગાવાઈ

રાજકોટઃ જૂનાગઢમાં બોગસ વેપારી પેઢીઓના નામે જીએસટીમાં રજિસ્ટ્રેશન મેળવીને ૩૦૪ કરોડનું સેટઓફ કૌભાંડ આચરવાના ગુનામાં પકડાયેલા સંજય મશરૂ અને તેના બનેવી પ્રવીણ તન્ના પૈકીના સંજય મશરૂ, એ કરેલી જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જીએસટીની અમદાવાદની મુખ્ય કચેરીને એક નનામી માહિતી મળેલ કે જૂનાગઢના સંજય મશરૂ અને તેના બનેવી પ્રવીણ તન્નાએ વિવિધ પેઢીના નામથી જીએસટીના રજિસ્ટ્રેશનો મેળવેલ છે અને અન્ય પેઢીઓએ મોકલાવેલ માલના બિલો આ બન્ને આરેપીઓ ખોટી રીતે બનાવી જીએસટીની રકમના સેટઓફ મેળવી સરકારી નાણાની ઉચાપત કરે છે.

આ પ્રકારની માહિતી મળતા અમદાવાદ ઓફિસ રાજકોટ ઓફિસને તપાસનો આદેશ આપતાં રાજકોટ ઓફિસે આ ખોટા રજિસ્ટ્રેશનવાળી પેઢીઓની ખરાઈ કરેલ જે દરમિયાન આ બન્ને આરોપીઓ અલગ-અલગ વ્યકિતઓ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવેલા હતા જે દસ્તાવેજોના આધારે તેઓના નામે જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવી મોટી રકમનો વેપાર દર્શાવેલ હતો.આ રકમમાંથી જીએસટીના ટેકસની રકમ થતી હતી જે અંગે આ નાના વ્યકિતઓને કાંઈ જ માહિતી ન હતી પરંતુ આરોપીઓ આ લોકોના નામે ખોટા વેપાર દર્શાવી અસલ વેપારીઓને જીએસટીની રકમની ઉચાપત કરાવતા હતા અને ખોટા સેટઓફ મેળવી આપતા હતા.

તપાસ દરમિયાન જૂનાગઢ જીએસટીના કન્સલ્ટન્ટ તથા એકાઉન્ટન્ટનું પણ નિવેદન નોંધેલ જેમાં તેઓએ જણાવેલ કે ખોટા નામવાળી ૧૦ પેઢીઓ વતી આ બન્ને આરોપીઓ જે આવતા હતા અને વ્યવહારો લખાવતા હતા આથી બન્ને સામે ૩૦૪ કરોડનું જીએસટી કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવતા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બન્નેની ધરપકડ કરાઈ હતી તેમાં સંજય મશરૂએ જામીન ઉપર છૂટવા અરજી કરી હતી તે અરજી નામંજૂર કરવા સેશન્સ કોર્ટેમાં જીએસટી વિભાગ વતી રજૂઆત કરતાં જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાએ જણાવેલ હતું કે જીએસટી કાયદા હેઠળ જૂજ ફરિયાદો થયેલ છે અને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરેલા ખુબ જ ઓછા દાખલા હોવાથી સામાન્ય કાયદાની તૃટીઓ હોવી સ્વાભાવિક છે પરંતુ આરોપીઓ પાસેથી રેઈડ દરમિયાન અલગ-અલગ વ્યકિતઓના નામના દસ્તાવેજો મળી આવવાથી તે હકિકત સાબીત થાય છે કે આરેપી ઓનલાઈન અરજીની પ્રોસીજરનો ગેરલાભ ઉઠાવી જુદા જુદા નામના જીએસટી રજિસ્ટ્રેશન મેળવે છે અને ખરીદનાર વેપારીઓ પાસેથી જીએસટીની મોટી રકમ વસુલ કરી આવી રકમોની ઉચાપત કરવામાં મુળ વેપારીઓને મદદગારી કરી સેટઓફ કરાવી આપે છે તેથી સરકારે ઘણી મોટી રકમનું નુકસાન ભોગવવું પડે છે.  આ ઉપરાંત જે પ્રક્રિયા વેપારી વર્ગની સહુલીયત અને સગવડતા માટે ઘડવામાં આવેલી છે તેવી પ્રક્રિયાનો આ પ્રકારના આરોપી જયારે ગેરલાભ ઉઠાવતા હોય ત્યારે અર્થવ્યવસ્થા ઉપર સમયાંતરે ખુબ જ મોટી અવળી અસર પડે છે. આ ઉપરાંત આ કૌભાંડમાં આરોપીઓ સિવાય અન્ય કોઈ વ્યકિતઓ સંડોવાયેલ છે કે કેમ તે અંગેની તપાસ જયારે વિભાગીય રીતે પ્રક્રિયામાં હોય ત્યારે આરોપીને જામીન મુકત કરી પુરાવા સાથે ચેડા કરવાની તક આપવા સમાન લાભ આપી શકાય નહીં.

સરકાર તરફેણની આ તમામ રજૂઆતો ધ્યાનમાં લઈ અધિક સેશન્સ જજ હિરપરાએ આરોપી સંજય મશરૂની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં જીએસટી વિભાગ વતી જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરા રોકાયેલ હતા.

(12:39 pm IST)