Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અલંગનું નવુ વર્ષ સારૂ જવાના એંધાણ : આ મહિને ભંગાવા માટે ૨૨ જહાજ આવશે

રાજકોટ તા. ૧૩ : ભાવનગરના અલંગમાં આવેલ શીપ બ્રેકીંગ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી છવાયેલ મંદીના વાદળો હવે દૂર થશે. નવેમ્બર મહિના દરમિયાન દેશ-વિદેશથી ૨૨ જહાજ અહીં તૂટવા માટે આવવાના છે. આનાથી આ વિસ્તારની આર્થિક ગતિવિધિઓ ફરી ઝડપી બનવાની શક્યતા છે.
માહિતી અનુસાર, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની શરૂઆત ૧૯૮૩માં થઇ હતી. ત્યારથી આજ સુધીમાં જહાજ તોડવાનો ધંધો સતત ચડાવ - ઉંતાર સહીને આજે આ મુકામ પર ઉંભો છે.
કોરોના મહામારી ઉંપરાંત પાડોશી દેશો દ્વારા અહીના જહાજ તોડવાના ધંધાને સતત પડકારો મળી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૬૫ જહાજ તોડવા માટે આવ્યા છે. જેમાં જાન્યુઆરીમાં ૨૮, ફેબ્રુઆરીમાં ૧૨, માર્ચમાં ૧૦, એપ્રિલમાં ૧૬, મેમાં ૧૯, જૂનમાં ૨૫, જુલાઇમાં ૧૫, ઓગસ્ટમાં ૧૬, સપ્ટેમ્બરમાં ૧૩ અને ઓક્ટોબરમાં ૨૧ જહાજ સામેલ છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં ૨૨ જહાજ અલંગ બંદરે લાઇનમાં ઉંભા છે. મહિનાના ત્રીજા સપ્તાહમાં આ સંખ્યા વધી શકે છે.
શિન જહાન શીપીંગના નિકોલસ વ્હાઇટ અનુસાર, અલંગમાં જહાજ ભાંગવાનું કામ હવે વધી શકે છે. અહીં આવતા જહાજોની સંખ્યા હવે વધવા લાગી છે. આ પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા ભારત કરતા વધારે રકમ આપીને જહાજ તોડવા માટે પોતાની તરફ વાળવાનું શરૂ થયું હતું. પણ હવે નવેમ્બરથી પરિસ્થિતિ બદલાવાની શરૂ થઇ છે. બીજી તરફ અલંગની આનુષંગીક રી-રોલીંગ મીલોના ધંધામાં પણ તેજી આવવાની આશા છે. જહાજમાંથી નિકળતા સ્ક્રેપ, મેટલના ભાવમાં પણ પહેલા કરતા સુધારો થયો છે. જહાજોને તોડવા તેમાંથી ૯૮ ટકા લોખંડ અને અન્ય ધાતુઓ નિકળે છે. રિ-રોલીંગ મીલોમાં તૈયાર માલની ખપત પણ સારી થઇ રહી છે.

 

(11:16 am IST)