Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ઉના પાસે ગુપ્તપ્રયાગમાં મૂર્તિ પ્રતિષ્ઠા પાટોત્સવનો પ્રારંભઃ આવતીકાલે સાંજે તુલસી વિવાહ

નૃસિંહજી તથા બળદેવજી મંદિરે અન્નકોટ તથા મહાપ્રસાદ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૩ :. પ્રાચીન ગુપ્તપ્રયાગ તિર્થધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા પાટોત્સવ નિમિત્તે મહાવિષ્ણુયાગ તથા તુલશી વિવાહ મહોત્સવનો પ્રારંભ કરાયો છે. તા. ૧૪ રવિવાર સુધી ધર્મોત્સવ ચાલશે.

ઉનાથી ૭ કિ.મી. દૂર પ્રાચીન તિર્થધામ ગુપ્તપ્રયાગ આવેલ છે. ત્યાં આદિનારાયણ વિષ્ણુ ભગવાને ગુપ્તવાસ કરેલ અને ગંગાજી, યમુનાજી, સરસ્વતીજીની ગુપ્ત નદી વહી રહી છે અને આ જગ્યાએ લક્ષ્મીસ્વરૂપી તુલશી માતા (વૃંદા)નો શ્રી શાલીગ્રામ ભગવાન સાથે વિવાહ સંસ્કાર થયેલ હતો.

તે સ્થળ ઉપર પૂજ્ય સંતશ્રી શિરોમણી મુકતાનંદજીબાપુના અનંત આશિર્વાદથી ગુપ્તપ્રયાગમાં શ્રી ગંગામા, યમુનાજી, સરસ્વતીદેવી તથા પ્રયાગરાયજીની મૂર્તિ પ્રતિષ્ઠાના ૪ વર્ષ પૂર્ણ થતા હોય તેના પાટોત્સવ નિમિત્તે મહાવિષ્ણુપાત્રા યજ્ઞનો આજે પ્રારંભ સાધુ-સંતો અને ભકતોની હાજરીમા થયો છે. સ્થાપિત મૂર્તિઓને અભિષેક, રાજોપચાર પૂજન, બિડાહોમ કરાયો હતો, તથા તા. ૧૪ કાલેને રવિવારે સાંજે તુલશી વિવાહ યોજાશે. ઠાકોરજીની જાન નવાબંદરથી પધારશે તથા તુલશી માતાના કન્યાદાન દેવાશે. તેમજ બપોરે નૃસિંહજી મંદિર અને બળદેવજી મંદિરે ભવ્ય અન્નકુટ યોજાશે તથા મહાપ્રસાદ યોજાશે. તમામ ભકતજનોને ધાર્મિક ઉત્સવમાં તથા મહાપ્રસાદ લેવા મંદિરના સંત શ્રી વિવેકાનંદબાપુ તથા ગુપ્તપ્રયાગ તીર્થધામ કમિટીએ નિમંત્રણ એક યાદીમાં આપેલ છે.

(12:19 pm IST)