Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ચોટીલામાં બાળકોના અપહરણ કરતી ગેંગના ધામા ?

કારમાં બેઠેલી મહિલાએ પૈસા આપી કોશિષ કરતા ટોક ઓફ ધ ટાઉન : બુરખો પહેરેલી મહિલાએ રૂમાલ સુંઘાડવાની કોશિષ કરી પણ બાળક નાસી છૂટતા ચકચાર

ચોટીલા તા. ૧૨ : ચોટીલામાં સમી સાંજે શહેરના લોકોની સતત અવરજવર અને ચહલપહલ વાળા વિસ્તારમાં કાળો બુરખો પહેરીને વાહનમાં બેઠેલી એક મહિલા એ બાળકને પૈસા આપી અને મોઢા પર રૂમાલ સુંઘાડવાની કોશિષ કરતા અને બાળક હાથ છોડાવીને નાસી છુટયાની ચર્ચા શરૂ થતાં આ બનાવે સમગ્ર શહેરમાં ભયનો માહોલ પેદા કર્યો છે અને ચોટીલામાં અપહરણ કરતી ગેંગ ફરી રહી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

વિગતો મુજબ ચોટીલાની એક વર્ષો જુની અને લોકોની અવરજવરથી સતત ધમધમતી એક શેરીના ખુણા પાસે એક વાહનમાં બુરખો પહેરીને બેઠેલી એક મહીલાએ ત્યાં થી પસાર થઇ રહેલા એક બાળકને બોલાવી તેના હાથમાં પૈસા આપ્યાં હતાં બાળકનો હાથ પકડીને બાદમાં આ બાળકના મોઢા પર રૂમાલ મુકવાની કોશિશ કરતા અંદાજે નવ દસ વર્ષનો આ બાળક ડરી જતાં મહીલાના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને નાસી છુટયો હતો.

આ બનાવ સમયે વાહનમાંથી બે શખ્સોએ ઉતરીને આ બાળકને પકડવા પાછળ દોડ્યા હતા બાદમાં આ બાળકે ઘરે રડતા રડતા આ વાત કરતા બાળક ના સગાએ ચોટીલા પોલીસ સ્ટેશન જઇ સમગ્ર બનાવ ની જાણ કરી હતી.

જયારે બીજા એક બનાવમાં એક શખ્સને કોઇ ઘેની પદાર્થ સુંઘાડી તેના શરીર પરથી ચાંદીના દાગીના કાઢી લીધાં હતાં.

ચોટીલામાં આ બન્ને બનાવો ટોક ઓફ ધ ટાઉન બન્યાં છે અને પોલીસ માટે પડકાર સર્જાયો છે. પોલીસ આ ગુનાની ગંભીરતા સમજીને જો કામગીરી શરૂ કરે અને શહેરમાં ભવિષ્યમાં આ ટોળકી અપહરણ, લુંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપે તે પહેલા તેને ઝેર કરે તેવી લોકોની માંગણી છે.

(12:21 pm IST)