Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજય સરકાર દ્વારા લોક સ્વાસ્થ્યને મજબુત કરવા નિરામય ગુજરાત અભિયાનઃ ડો.નીમાબેન આચાર્ય

ભુજ વ્યાયામ શાળામાં વિધાનસભા અધ્યક્ષતાની ઉપસ્થિતીમાં કાર્યક્રમનો પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૩: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીની યોજના નિરામય ગુજરાતનો આજે પાલનપુર ખાતેથી રાજયવ્યાપી આરંભ કરાવ્યો હતો.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, મળવાપાત્ર સરકારની યોજનાના લાભ મેળવો અને ઉજળા ભવિષ્યનું નિર્માણ કરો. વિવિધ યોજનાઓ અને વિશેષ તો આરોગ્યની સેવાઓને પાત્રતા ધરાવતા લાભાર્થીએ લાભ લઇ સરકારની સહાયના પગલે બચેલા નાણાંથી બાળકોના શિક્ષણ અને ઉજળા ભવિષ્ય માટે વાપરી દેશ અને દુનિયામાં અગ્રિમ હરોળમાં રહેવા જણાવ્યું હતું.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભુજથી મુખ્યમંત્રીશ્રીના લાઇવ કાર્યક્રમમાં જોડાયેલા જીલ્લાવાસીઓને આ તકે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતુ કે, 'લોકોજાગૃતિને સાંકળીને લોકોને સાથે રાખીને લોકસ્વાસ્થ્યને મજબૂત કરવાનું આ નિરામય ગુજરાત અભિયાન છે જેનો લાભ લઇ સ્વસ્થતા કેળવો.

વ્યાયામશાળા ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, 'આજનો દિવસ ઔતિહાસિક છે આરોગ્ય સેવાના મા અને આયુષ્માન કાર્ડ તેમજ રૂ.૫ લાખ સુધીની વિનામૂલ્યે સહાય પૂરી પાડતા પી.એમ. જે.એ.વાય. કાર્ડ સાથે નિરામય યોજના હેઠળ સાત બિન ચેપી રોગો માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગથી લઇ સારવાર સુધીની સહાય પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળશે. બી.પી.-લોહીનું ઉંચુ દબાણ, ડાયાબિટીશ, ઓરલ કેન્સર, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી અને એનેમિયા જેવા ૭ ગંભીર રોગોની વિનામૂલ્યે સેવાઓ નિરામય ગુજરાત હેઠળ મળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવામાં નિરામય ગુજરાત મહત્વ પૂર્ણ બનશે એમ જણાવી ડો.નીમાબેન આચાર્યે નિયમિત જીવનશૈલી, સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને કસરત કરવા પર ભાર મુકયો હતો. હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલુ સુખ તે જાતે નર્યા વડીલોની વાતને વડાપ્રધાન આવા અભિયાનો થકી સાકાર કરાવી રહ્યા છે જેમાં સૌ સહયોગ કરીએ એમ પણ તેમને જણાવ્યું હતુ.

જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે પહેલુ સુખ તે જાતે નર્યાને રજૂ કરતા જણાવ્યું હતુ કે, ઙ્ક શારીરિક તદુંરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. ન દેખાતા બિનચેપી રોગોથી દરેકે બચવું જોઇએ અને સાચા અર્થમાં આ યોજના ગુજરાતને નિરામય બનાવવાનું પ્રશંસનીય પગલું છે. આ તકે તેમણે યોજનાનો લાભ કેમનો અને કયાં મળશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સીવીલ સર્જનશ્રી ડો. કશ્યપ બુચે સ્વાગત પ્રવચનમાં ૩૦ વર્ષબાદ બિનચેપી રોગોનું તેમજ નિયમિત ફોલોઅપ વિનામૂલ્યે સ્વસ્થ કરતી નિરામય ગુજરાતના જીલ્લા અમલીકરણની વિગતો રજૂ કરી હતી. જીલ્લાના જી.કે.જનરલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સી.એચ.સી., હેલ્થ સબસેન્ટર, આંગણવાડીના કાર્યકરો દ્વારા કામગીરી થશે. તેમજ નિરામય દિવસ દર શુક્રવારે નિષ્ણાંત તબીબોની ટીમ ગ્રામીણ અને શહેરી કક્ષાએ મેડિકલ કેમ્પનું આયોજન કરશે. આ તકે તેમણે બિનચેપી રોગો તેમજ આરોગ્ય ક્ષેત્રે મળતી વિવિધ સરકારી સહાયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ નિરામય ગુજરાતના શપથ લીધા હતા. મંચસ્થ મહાનુભાવોએ પાંચ લાભાર્થીને નિરામય કાર્ડ, ૨ લાભાર્થીને ડીઝીટલ હેલ્થ આઇ.ડી કાર્ડ અને ૩ લાભાર્થીને મા પીએમ જે.એ.વાય કાર્ડ વિતરણ કર્યુ હતું.

ડો.નીમાબેન આચાર્યે કાર્યક્રમ સ્થળે યોજાયેલ મેગા મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરી વિવિધ સેવાઓનું નિરીક્ષણ અને મુલાકાત લઇ આરોગ્ય સેવાઓથી માહિતીગાર થયા હતા. અધ્યક્ષાશ્રીએ અપાતી સેવાઓ વિશે વિગતે માહિતી જાણી મેડિકલ પેરામેડિકલ સ્ટાફને પ્રોત્સાહિત પણ કર્યો હતો.

આ કાર્યક્રમની આભારવિધિ કરતા જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. જનક માઢકે જણાવ્યું હતુ કે આજના કેમ્પમાં ૧ હજાર નિરામય કાર્ડ આપવાનો લક્ષ્યાંક છે.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ભુજનગરપાલિકા પ્રમુખશ્રી દ્યનશ્યામભાઇ ઠક્કર, ઉપપ્રમુખશ્રી રેશમાબેન ઝવેરી, અગ્રણી વલમજીભાઇ હુંબલ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કરશનજી જાડેજા, શીતલભાઇ શાહ, ગોદાવરીબેન ઠક્કર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, આર.સી.એચ.ઓ. હોસ્પિટલના મેડિકલ ડાયરેકટરશ્રી ડો. બાલાજી પિલ્લાઇ, ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડટશ્રી ડો. નરેન્દ્ર હિરાણી તેમજ અગ્રણી તબીબો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કર્મયોગીઓ, લાભાર્થીઓ અને નગરજનો આ ઉપસ્થિત રહ્યા હતા.

(12:22 pm IST)