Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પોરબંદરના વોકીંગ પ્લાઝાની જાળવણી કરવામાં તંત્રની બેદરકારી : ફેન્સીગ તૂટી ગઇ : અપુરતી બેઠકો

પોરબંદર, તા. ૧૩ : ઇ.સ.ર૦૦૬ ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં  આવ્યું ત્યારે પોરબંદરમાં અનેક વિધ વિકાસકામો હાથ ધરાયા હતા જેમાં પ્રવાસન વર્ષ અંતર્ગત રાજય સરકારની સહાયથી પક્ષી અભ્યારણ્ય પાસે વોકીંગ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વોકીંગ પ્લાઝાની જાળવણીમાં તંત્ર ઉદાસીન નિવડયું છે. તેમજ પક્ષી અભ્યારણ પાસેનો આ જગ્યા અગોચર બની છે. ફેન્સીંગ તૂટી ગઇ છે તે સામે કોંગ્રેસ આગેવાનોએ તંત્રમાં રજુઆત કરી છે.

કોંગ્રેસના આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લઇને રજુઆત જણાવ્યું હતું કે, અહીંયા અનેક અસુવિધાઓ જોવા મળી રહી છે. તંત્ર વોકિંગ્ પ્લાઝાની યોગ્ય રીતે જાળવણીમાં નિષ્ફળ ગયું છે જેના કારણે ફરવા આવનારા અને વોર્કિંગ કરવા આવનારા લોકો હેરાન પરેાન બની ગયા છે. ખાસ કરીને અહીંયા સવારે મોર્નીંગ વોકમાં સવારે મોટી સંખ્યામાં લોકો આવે છે પરંતુ જયાં ઘાસનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં ઉકરડો બની ગયો છે અને ત્યાં અગોચર હોય તેમ જાડી-ઝાખરાનું નિર્માણ થઇ ગયું છે. વૃક્ષો વાવવામાં આવ્યા હતા તે પણ ઘણા-ખરા સુકાઇ ગયા છે તથા ટ્રી ગાર્ડ પણ તૂટી-ફૂટી ગયા છે.

સામાજીક સંસ્થાઓ દ્વારા પણ અહીંયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ તેની જાળવણી માટે તંત્ર ગંભીર બન્યુ નથી તેના કારણે લોકો ઘાંસમાં ચાલવાને બદલે ફરજીયાત પણે સિમેન્ટના બ્લોક ઉપર ચાલે છે. બેંચોની બેઠક વ્યવસ્થા પણ અપુરતી છે તથા તેની ફરતે બનાવાયેલી ફેન્સીંગ પણ ઘણી જગ્યાએ તૂટી ગઇ છે તેમજ અંદર પણ અનેક જગ્યાએ કચરો અને પ્લાસ્ટીકની કોથળીઓ ઉઠી રહ્યા છે. અપુરતી સ્ટ્રીટલાઇટોને કારણે રાત્રીના સમયે લોકો વોકીંગ કરવા માટે આવે તો ભય રહે છે. પક્ષીઓને પીવા માટેની પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છ. જયારે જયારે પક્ષીપ્રેમીઓ વૃક્ષોની જાળવણી માટે રજુઆત કરે ત્યારે ત્યારે તંત્ર પોતાની જવાબદારી ખંખેરીને વન વિભાગ હસ્તકનું છે તેમ જણાવી દેતુ હોય છે તેથી વોર્કીગ પ્લાઝાની જાળવણીની જવાબદારી કોની છે ? તેવો સવાલ ઉઠાવીને પોરબંદર કોંગ્રેસના આગેવાનો નગરપાલિકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગી, ઉપનેતા ફારૂકભાઇ સૂર્યા, દંડક ભરતભાઇ ઓડેદરા, જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, દિલાવરભાઇ જોખીયા વગેરેએ વહીવટી તંત્રને રજુઆત કરી વોકીંગ પ્લાઝાની જાળવણી અને જતન માટે તંત્ર ગંભીર બને તેવી રજુઆત કરી છે.

(1:01 pm IST)