Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જુનાગઢ પાલિકા દ્વારા ''નિરામય ગુજરાત'' અભિયાન

જુનાગઢ તા. ૧૩ : પાલિકા દ્વારા નિરામય અભિયાનનો પ્રારંભ ગાંધી ગાઉન હોલ ખાતે ગુજરાત રાજય બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, કલેકટર રચિત રાજ.કમીશનર રાજેશ એમ.તન્ના, આસી.કલેકટર અંકિત પનું. મેડીકલ કોલેજ આસી.ડીનર ડો. પ્રીયંકાબેન જોગીયા સ્થાયી ચેરમેન રાકેશભાઇ ધુલેશિયા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા તેમજ કોર્પોરેટર હરેશભાઇ પરસાણા, લલીતભાઇ સુવાગીયા, પલ્લવીબેન ઠાકર, ગીતાબેન પરમાર, ચીફ ઓડીટર એમ.કે. નંદાણીયાની ઉપસ્થિતિમાં થયો હતો.

આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય કરી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું તેમજ સ્વાગત પ્રવચન મેડીકલ ઓફીસર રવિભાઇ ડેડાણીયા દ્વારા કરવામાં આવ્યું. ચેરમેનએ જણાવ્યું કે રાજયસરકાર દ્વારા લોકોની આરોગ્ય અને સુખાકારી માટે આરોગ્યલક્ષી અનેકવિધ યોજના કાર્યરત કરેલ છે જેમાં ''નિરામય ગુજરાત'' અંતર્ગત બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ પધ્ધતિથી સારવાર આપવામા આવશે જેનો લાભ સૌ નગરજનોને મળી રહેશે તેમજ તમામ વર્ગના લોકો માટે આયોજના આશીર્વાદરૂપ સાબિત થશે.

તન્નાએ જણાવ્યું કે શહેરમાં ઘર નજીક લોકોને આરોગ્યની સગવડ મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છેજેમાં નિરામય ગુજરાત હેઠળ દર શુક્રવારે બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ પધ્ધતિથી સારવાર તથા દવાઓ વિનામુલ્યે આપવામાં આવશે જેનો લાભ સૌ શહેરીજનોને મળી રહેતેવો અનુરોધ કરેલ છે.

''નિરામય ગુજરાત'' અભિયાન અંતર્ગત બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ પધ્ધતિથી સારવાર કરવામાં આવશે. બિન ચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, હાયપરટેન્શન મોઢાના કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર પાંડુરોગ, કિડનીની બિમારી અને કેલ્યિશમની ઉણપ જેવા  રોગો સાથે સંકળાયેલા અકાળમૃત્યુ અને બિનચેપી રોગોને ઘટાડવા માટે એનસીડીના જોખમી પરિબળોનું પ્રારંભીક સમયમાં નિદાન એ સૌથી મહત્વપુર્ણ છે. ''નિરામય ગુજરાત'' અભિયાન અંતર્ગત બીનચેપી રોગો માટે એનસીડી વસ્તી આધારિત સ્ક્રીનિંગ વસ્તીમાં એનસીડી સેવાઓ સબંધિત જાગૃતિ નીચલા સ્તર સુધી પહોંચાડવા અને સમુદાયની શકય તેટલી નજીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હંસરાજભાઇ ગજેરાના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને નિરામય કાર્ડ, ડીજીટલ હેલ્થ આઇડી અને માં-પી.એમ.જે.એ.વાય.કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તથા ''નિરામય ગુજરાત'' શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવેલ સાથે જ સ્વચ્છતા અંગેની શપથ લેવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સૌ લાભાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતુ઼ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઇ વિહળે કર્યુ હતુ઼.

(1:33 pm IST)