Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કેશોદ ખાતે નિરામય કેમ્પનું ઉદઘાટન

૩૦ વર્ષની વધુ ઉંમરના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મોઢાના કેન્સર જેવા બિનચેપી રોગો ઘટાડવા માટેનો પ્રયાસ

જૂનાગઢ,તા.૧૩: રાજય સરકારના નિરામય ગુજરાત મહાઅભિયાન અન્વયે કેશોદ તાલુકા ખાતે નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પને પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે જ લાભાર્થીને નિરામય કાર્ડ વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા.

લોકોના આરોગ્ય સુખાકારી માટે અને  બિનચેપી રોગો જેવા કે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા/ સ્તનના ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, એનિમિયા, કેલ્શિયમની ઉણપ જેવા રોગોને આવરી નિરામય ગુજરાત મહાઅભિયાન સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે કેશોદ તાલુકાના કડવા પટેલ સમાજ ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને નિરામય ગુજરાત અંતર્ગત મેગા હેલ્થ કેમ્પનો આરંભ કરાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજની ઝડપી અને બદલાયેલી જીવનશૈલીના લીધે બિન ચેપી રોગોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. નાની ઉંમરે જ આવી ગંભીર બીમારીઓ થાય છે. નિરામય ગુજરાત અભિયાનનો હેતુ બિનચેપી રોગો સાથે સંકળાયેલા અકાળ મૃત્યુ, બિન ચેપી રોગોને દ્યટાડવાનો છે. આ અભિયાન અંતર્ગત લોકોને બિનચેપી રોગો માટે સ્ક્રિનીંગથી લઇને સારવાર પૂરી પાડવામાં આવશે. મંત્રીશ્રીએ સરકારશ્રી નિરામય ગુજરાત અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. મેગા કેમ્પ અન્વયે મંત્રીશ્રીએ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ સેવાઓનું નિરીક્ષણ, લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.આ તકે મંત્રીશ્રીના હસ્તે નિરામય કાર્ડનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના પૂર્વ એમ.ડી. અને ડાયરેકટરશ્રી દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણીએ કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જૂનાગઢ આરોગ્ય અધિકારી ડો.મહેતા, આભારવિધિ એપેડેમીક ઓફીસર ડો. શિલ્પાબેન જાવીયા એ  કરી હતી.

આ તકે શ્રી રવિન્દ્રસિંહ જાડેજા, જાહેર આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી પ્રવીણભાઇ પટોડીયા, જિલ્લા સિંચાઇ સમિતીના ચેરમેનશ્રી અતુલભાઇ દ્યોડાસરા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વંદનાબેન મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપલીયા, કેશોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ દેત્રોજા, , કેશોદ પ્રાંત અધિકારીશ્રી દેવેન્દ્રભાઇ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

(1:34 pm IST)