Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જૂનાગઢ ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે 4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયોમિથેશન પ્લાન્ટનું લોકાર્પણ

સીએનજી ગેસ, ખાતર તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરાશે : પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતાં સીએનજી ગેસનો વપરાશ સિટીબસ ચલાવવા માટે થશે

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂ.4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલ 15 મેટ્રિક ટન ક્ષમતાના બાયોમિથેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે મંત્રી વિનોદભાઈ મોરડીયાની ખાસ ઉપસ્થિતિ રહી.


જૂનાગઢ શહેરમાંથી નિકાલ થતાં કચરાને ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે લાવવામાં આવે છે, જ્યાં ભેગા થતાં કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી સીએનજી ગેસ, ખાતર તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જૂનાગઢમાં સીટી બસ ફરીથી કાર્યરત થવાની છે, જે સીએનજીથી સંચાલિત હશે. ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે સ્થાપિત થયેલ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતાં સીએનજી ગેસનો વપરાશ આ સિટીબસ ચલાવવા માટે થશે.

આ તકે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટમાંથી થયેલ પહેલ અંતર્ગત જૂનાગઢ ખાતે બાયોમિથેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આવનારા બે વર્ષની અંદર કોઈપણ જગ્યાએ કચરાના ઢગલા ન રહે, તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે લોકાર્પિત થયેલ બાયોમિથેશન પ્લાન્ટથી વાર્ષિક 20 લાખ જેટલી આવક મેળવી શકાશે, તેવો અંદાજ છે.

ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે તૈયાર થયેલ બાયોમિથેશન પ્લાન્ટના લોકાર્પણમાં માન. મંત્રી વિનોદભાઈ મોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધીરુભાઈ ગોહેલ, કમિશનર રાજેશ એમ. તન્ના સહિતના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી.

(9:41 pm IST)