Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામનગરમાં તમામ હોસ્પિટલો હાઉસફુલ : પાંચ દિવસ સુધી જીજી હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ શકે તેમ નથી : જિલ્લા કલેકટર રવિશંકર

જીજી હોસ્પિટલમાં 145 બેડ ફૂલ , અન્ય 7 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ જગ્યા નથી: મોરબી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો અવિરત ઘસારો

જામનગરમાં આવેલ તમામ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે આવનાર 5 દિવસ સુધી ગુરુગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોઈ જ વ્યવસ્થા થઈ શકે તેમ નથી તેવું જિલ્લા કલેકટર રવિશંકરે સત્તાવાર કહ્યું છે. જી.જી.હોસ્પિટલમાં 1450 બેડ તો ફૂલ છે. આ ઉપરાંત જામનગરની અન્ય 7 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ જગ્યા નથી. જામનગરમાં મોરબી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો અવિરત ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે જી.જી.હોસ્પિટલ બહાર પણ એમ્બ્યુલન્સ અને 108 સહિતના દર્દીઓને લઈને આવેલ વાહનોની કતારો લાગી છે. ત્યારે જામનગરની 100 બેડની વ્યવસ્થા ધરાવતા સ્વામિનારાયણ ગુરુકુળ સ્થિત કોવિડ હોસ્પિટલમાં પણ તમામ બેડ ફૂલ છે.  ઓક્સિજન, વેન્ટિલેટર ઉપરાંત બાયપેપ સહિત તમામ વ્યવસ્થા પણ અધૂરી પડી રહી છે. દર્દીઓનો ભારે ઘસારો થતા જામનગરમાં હવે બધું જ ભગવાન ભરોસે હોય તેવી કપરી સ્થિતિ નિર્માણ પામી છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ સાથે વાતચીત કરતા તેઓએ ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી અવિરત દર્દીઓનો પ્રવાહ આવી રહ્યો છે. અને મોટા ભાગના ઓક્સિજન જોઈએ તે પ્રકારના કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. જેને લઈને ખૂબ કપરી પરિસ્થિતિ થઈ છે. હાલ હોસ્પિટલમાં સતત વેન્ટિલેટર ઉપરના દર્દીઓ અને ઓક્સિજન આપવામાં આવી રહેલા દર્દીઓની ખૂબ સારસંભાળમાં ખડેપગે રહેવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના સંચાલક મહેશભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી દર્દીઓને સારવાર માટે દાખલ કરવા ભલામણોના ફોન પણ આવી રહ્યા છે. પરંતુ અમારી પાસે જગ્યાઓ ખાલી ન હોવાથી અમે પણ કાઈ કરી શકીએ તેમ નથી. ખુબજ સિરિયસ દર્દીઓ આવી રહ્યા છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલ ઉપરાંત બધી ખાનગી હોસ્પિટલમાં પણ જગ્યા નથી. જેથી લોકો કોઈપણ સંજોગોમાં દાખલ થવા આગ્રહ કરી રહ્યા છે. ત્યારે અમે અમારાથી બનતા પ્રયત્નો કરી લોકોને સારવાર મળે તે માટે ચિંતા કરી રહ્યા છીએ. પરંતુ હાલની સ્થિતિ જોતા હવે પરિસ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ હોય તેવી લાગી રહી છે. (એક્સકલુસીવ તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર અહેવાલ મુકુંદ બદીયાણી)

 

(12:32 am IST)