Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

જુનાગઢમાં રેકોર્ડબ્રેક ૩ર૩ કેસ ૪ કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ

ર૪ કલાકમાં જિલ્લામાં ૮૮ કેસનાં વધારા સાથે પ૭રની એન્ટ્રી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: જુનાગઢમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૩ર૩ કેસ નોંધાતા અને ૪ કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ થતાં શહેરભરમાં હાહાકાર મચી ગયો છે.

એક જ દિવસમાં ૯૬ કેસનો જુનાગઢ સીટીમાં ઉછાળો આવતાં તંત્ર પણ મુંઝવણમાં મુકાય ગયું છે.

જુનાગઢ જિલ્લામાં સોમવારથી બુધવાર દરમ્યાન કોરોનાનાં ડેઇલી કેસનો આંક પ૦૦ની નીચે રહ્યો હતો. પરંતુ ગુરૂવારનાં ર૪ કલાક દરમ્યાન પ૭ર કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આમ જિલ્લામાં પોઝીટીવ દર્દીનો દરરોજનો આંક ૬૦૦ની નજીક પહોંચવા આવ્યો છે.

બુધવારે જિલ્લામાં ૪૮૪ કેસ નોંધાયા બાદ ગઇકાલે ૮૮ કેસનાં વધારા સાથે એકજ દિવસમાં નવા પ૭ર કેસ સામે આવતાં મીની લોકડાઉન પર પાણીઢોળ થઇ ગયું હોવાનું જણાય રહ્યું છે.

જિલ્લાનાં કુલ પ૭ર કેસમાં માત્ર જુનાગઢમાં એક જ દિવસમાં ૩ર૩ કેસ છે. શહેરમાં બુધવારે જુનાગઢનાં રર૭ કેસ રહ્યા બાદ તેમાં ગુરૂવારે ૯૬ કેસનો વધારો થતાં ર૪ કલાકમાં જુનાગઢ મહાનગરમાં ૩ર૩ કેસની એન્ટ્રી થવાથી અઘોષિત લોકડાઉન બેઅસર થયેલ છે.

જિલ્લામાં ગઇકાલે જુનાગઢ રૂરલમાં ૩૦, કેશોદ-૪૬, ભેસાણ-૧૯, માળીયા-૪૭, માણાવદર-રર, મેંદરડા-૧૪, માંગરોળ-ર૯, વંથલી-૧૮ અને વિસાવદર શહેર-તાલુકામાં ર૪ નોંધાયા હતા.

ર૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લાનાં કોરોનાનાં દર્દીનાં મૃત્યુ પણ વધ્યા છે. જેમાં જુનાગઢ શહેરમાં ૪ દર્દીને કોરોના ભરખી ગયો હતો.

તેમજ જુનાગઢ ગ્રામ્યમાં બે, અને ભેસાણમાં પણ બે તથા માણાવદરમાં પણ બે દર્દી અને કેશોદમાં એક દર્દીનાં કોરોનાએ પ્રાણ હરી લીધા હતા.

નવા પ૭ર કેસની સામે ૩૦૧ દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં સૌથી વધુ જુનાગઢ સીટીનાં ૧૪૯ પેશન્ટે સ્વસ્થતા મેળવી હતી. તેમજ જુનાગઢ ગ્રામ્ય-૯, કેશોદ-૪, ભેસાણ-૧પ, માળીયા-પ૪, માણાવદર-૧૭, મ.ેંદરડા-૮, માંગરોળ-૩૩, વંથલી-પાંચ અને વિસાવદરનાં ૭ દર્દી કોરોનાને માત આપવામાં સફળ થયા હતા.

જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં વધતા કેસનાં આંક પર જણાય છે કે, કોરોના હજુ થાકયો નથી.

(11:38 am IST)