Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સરધારમાં ૧૦૦ બેડની આશીર્વાદરૂપ સ્વામિનારાયણ હોસ્પિટલ

રાજકોટ નજીક કોરોના સામે જંગ, દર્દીઓને સંગ, સેવાનો રંગઃ સુવિધા-સારવાર નિઃશુષ્ક : નિત્યસ્વરૂપદાસજી સ્વામીની પ્રેરણાથી સંતો, સ્વયંસેવકો, તબીબો વગેરેનો સેવાયજ્ઞઃ દર્દીઓ અને એની સાથેના સગા-સબંધીઓ માટે સંતો મહાપ્રસાદ બનાવે છેઃ ઓકિસજન સહિતની સુવિધાઃ જરૂરીયાતમંદોને લાભ લેવા ટ્રસ્ટી નીતિન ઢાંકેચાની અપીલઃ વધુ માહિતી માટે સંપર્ક મો. ૯૦૭૦૬ ૦ર૦૬૦ અથવા ૭૬૦૦૦ પ૮પ૦પ અથવા ૯૪ર૬૯ ૧૧૧૦૧

રાજકોટ થી પચીસેક કિ. મી. દુર સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલ કોવિડના દર્દીઓ માટે ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શ્રી નિત્યસ્વરૂપદાસજીસ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ડો. ભીમાણી, ડો. સાવન ટીંબડીયા, ડો. પાઘડાર વગેરે સેવા આપી રહ્યા છે. રાજકોટ - લોધિકા સંઘના ડીરેકટર નીતિન ઢાંકેચા ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.

રાજકોટ તા. ૧૪ :.. ભગવાન શ્રી સ્વામિનારાયણના રોગાતુર મનુષ્યની યથાશકિત સેવા કરવી એ સંદેશ અનુસાર જનસમાજનું શ્રેય થાય તેવા શુભ હેતુથી રાજકોટ નજીક સરધાર સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર સંચાલીત હોસ્પિટલ પણ આ કર્મયોગમાં સહભાગી બની છે. તીર્થધામ સરધારના પ્રણેતા શ્રી સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી તથા નીતિનભાઇ ઢાંકેચા આદિક ટ્રસ્ટી મંડળ દ્વારા ૧૦૦ બેડની સમર્પિત નિઃશુલ્ક આઇસોલેશન અને પૂરતો ઓકસીજન વાળી કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક નં. ૭૬૦૦૦ પ૮પ૦પ.

સુવિધા સંપન્ન બિલ્ડીંગમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં ઓકસીજનના સીલીન્ડર સાથે તમામ મેડીકલ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ કોવિડ સેન્ટર આજે દર્દી નારાયણની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે. એમ્બ્યુલન્સ, સનેટાઇઝર તેમજ દર્દીઓને શાંતિ મળે તે માટે મીડિયા-ચેનલોના માધ્યમથી સત્સંગ-કથા અને મનોરંજનના કાર્યક્રમોના પ્રસારણ માટે સુવિધા કરવામાં આવી છે. આર્થિક ક્ષમતા નથી તેવા જરૂરીયાતમંદ પરિવારો માટે આ હોસ્પિટલ જાણે રણ મધ્યે મીઠા પાણીની વિરડી સમાન છે. કારણ કે અહીં કોઇ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. કોવિડ હોસ્પિટલનો પ્રારંભ જ એકાદ દિવસમાં લગભગ બધા જ બેડ ફુલ થઇ ગયા હતાં.

સારવાર હેઠળના દર્દીઓ માટે હોસ્પિટલના અનુભવની સાથે એમ. ડી. કક્ષાની ડીગ્રી ધરાવતા નિષ્ણાંત ડોકટર્સ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ દિવસ-રાત સેવામાં ખડે પગે રહે છે.

દરરોજ સવારે સારવાર હેઠળના દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ માટે સરધાર મંદિરની ગૌશાળાની ગાયોનું આયુર્વેદિક ઔષધિ યુકત દૂધ તથા બપોર પછી ફુટની ડીશ, ફુટના જયુસ, નાળીયેર પાણી વગેરે આપવામાં આવે છે.

દરરોજ બપોરે સંતોએ જાતે રસોઇ બનાવી ઠાકોરજીને થાળ ધરાવી પ્રસાદી યુકત કરી પૂ. સંતો સ્વયંસેવકો દ્વારા દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને પોતાના રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. અને તેથી જ દર્દીઓને પોતાના ઘરનો એહસાસ થાય છે. દરરોજ સાંજે પૌષ્ઠિક અને ડોકટરની સલાહ મુજબ ભોજન પ્રસાદ આપવામાં આવે છે. આવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ દર્દીઓ સાજા થઇને ઘરે પરત જઇ રહ્યા છે.

કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ અને તેના સગા-સબંધીઓ માટે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક છે. તે ઉપરાંત દર્દીઓનું મનોબળ વધે તે માટે સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી તેમજ અન્ય સંતો દ્વારા દર્દીઓને અને તેમના સબંધીજનોને હુંફ-બળ અને પ્રોત્સાહન પુરૃં પાડવા દરરોજ રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે.

તે વહેલીતકે નાશ થાય તેમજ સમગ્ર વિશ્વના માનવીઓનું શ્રેય થાય તેવા શુભહેતુથી શ્રી સ્વામિનારાયણના મહાનપ્રસાદિભૂત તીર્થધામ સરધારના પ્રણેતા સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના શ્રીમુખે દરરોજ રાત્રે ૯ થી ૧૦.૩૦ વાગ્યા સુધી સોશ્યલ મીડિયા અને ચેનલોના માધ્યમથી 'ઘરસભા' નું આયોજન કરવામાં આવે છે. વિશ્વશાંતિ માટે યજ્ઞ પણ કરવામાં આવે છે. આમ આ મંદિર આસ્થા અને ભકિતનંુ કેન્દ્ર છે. દર્દીઓ અને તેના સ્વજનો સંતોષ વ્યકત કરી રહ્યા છે.

હોસ્પિટલમાં ડો. ભીમાણી, ડો. સાવન ટીંબડીયા, ડો. ટાઢાણી, ડો. પાઘડાર તેમજ વિપુલભાઇ, પ્રકાશભાઇ, દેવાંગભાઇ, કિશનભાઇ વગેરે સેવા આપી રહ્યા છે.

(10:59 am IST)