Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાની પહેલ..

'એક વર્ષ રસ્તા નહીં થાય તો ચાલશે પરંતુ હું લોકોને મરતા જોઈ શકતો નથી' સમગ્ર ગ્રાન્ટ આરોગ્ય માટે ફાળવી દીધી

વિસાવદર, ભેસાણ, બિલખા તથા મત વિસ્તારમાં ૧ કરોડ ૫૦ લાખની ગ્રાન્ટ જીલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢને ફાળવવા નિર્ણય

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ૧૪ :. વિસાવદર-ભેસાણના જાગૃત ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ સમગ્ર ગુજરાતમાં દાખલો બેસાડવા માટે અને લોકોના આરોગ્ય તથા સુખાકારીમાં વધારો થાય અને લોકો તથા ગરીબ લોકો તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે પોતાની સમગ્ર ગ્રાન્ટ આરોગ્ય વિભાગને ફાળવી દીધેલ છે ત્યારે ગુજરાત રાજ્યમાં અન્ય ધારાસભ્યો તથા મંત્રીઓ અને સરકારશ્રી પણ આ બાબતે યોગ્ય કરે તો પ્રજાની ખરેખર સેવા કરી ગણાશે.

શ્રી રીબડીયાએ ધારાસભ્ય અનુદાનની ગ્રાન્ટ સને ૨૦૨૧-૨૨ના વિકાસ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર-વિસાવદર માટે પી.એસ.એ. ઓકસીજન જનરેટીંગ પ્લાન અને જરૂરી ઓકસીજન લાઈન ફીટીંગ તથા એન.આર.બી. માસ્ક, ઓકસીજન માસ્ક નેસલ ફેબ્યુલા વિગેરે એસેસરીઝ માટે રૂ. ચાલીસ લાખ, ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે તેમજ બિલખા સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ. ચાલીસ, ચાલીસ લાખ મળી કુલ રૂપિયા એક કરોડ વીસ લાખની ગ્રાન્ટ ફાળવેલ છે. જ્યારે વિસાવદર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન નંગ ૨ લેખે કાલસારી, ભલગામ, મોટા કોટડા, બરડીયા અને મોટી મોલપરી માટે અનુક્રમે રૂ. બે લાખ વીસ હજાર લેખે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ગ્રાન્ટ ફાળવેલ છે જ્યારે મોટી મોણપરી લેબોરેટરી માટે સેલ કાઉન્ટર મશીન નંગ ૧ તથા જરૂરી કેમીકલ માટે રૂપિયા ત્રણ લાખ સાંઈઠ હજારની ગ્રાન્ટ ફાળવેલ છે.

ભેસાણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રાણપુર, ચુડા અને મેદપરા માટે ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન બે બે ફાળવવા માટે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બે લાખ વિસ હજાર ફાળવેલ છે. તેમજ જૂનાગઢ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમા બગડુ, વડાળ, ખડીયા, ડુંગરપુર માટે ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન ૨ (બે) ફાળવેલ છે અને આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રૂપિયા બે લાખ વિસ હજાર લેખે ગ્રાન્ટ ફાળવેલ છે.

આ ઉપરાંત મેડીકલ સાધન સેવા ટ્રસ્ટ-વિસાવદર માટે ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન ૨ માટે રૂપિયા બે લાખ વિસ હજારની રકમ આપેલ છે.

વિસાવદર-ભેસાણ મત વિસ્તાર માટે એક વર્ષ માટે રોડ રસ્તા કે અન્ય વિકાસના કામો માટે પોતાની ગ્રાન્ટ નહી ફાળવવામા આવે તો ચાલશે પરંતુ ા વિસ્તારની પ્રજાની આરોગ્યની સુખાકારી માટે હું કોઈપણ વ્યકિતને ઓકસીજન કે અન્ય સુવિધાના અભાવે મરતા જોઈ શકતો નથી તેવા મનોબળ સાથે પોતાના મત વિસ્તાર માટે ૧ કરોડ ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવા જીલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢને પત્ર લખી જાણ કરી ગ્રાન્ટ ફાળવેલ છે.

વિસાવદરના ધારાસભ્ય તથા તેમના બન્ને પુત્રો છેલ્લા ઘણા દિવસોથી રાત-દિવસ એક કરી સરકારી હોસ્પીટલોમાં ધામા નાખી લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે તેમના પત્નિ નિશાબેન પણ પોતાની અંગત બચતની તમામ મૂડી ઓકસીજન સીલીન્ડરો માટે ફાળવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે ત્યારે આ લોકો ખરેખર અભિનંદનને પાત્ર બને છે.

(11:01 am IST)