Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં મ્યુકરમાઇકોસીસે પ્રથમ ભોગ લીધો

પાટડીના પ૮ વર્ષના આઘેડનું મોત થતા કોરોના મહામારીમાં લોકોમાં ફફડાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૪: પાટડીના ૫૮ વર્ષના આધેડનું કોરોના બાદ મ્યુકર માઇકોસિસથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લામાં મ્યુકર માઇકોસિસથી પહેલા મોતથી લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાવા પામી છે.

કોરોનાની બીજી ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી હાહાકાર મચાવ્યો છે. ગ્રામ પથંકના કોવિડ કેર સેન્ટરો પણ કોરોના પોઝીટીવ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાટડી ખાતે રહેતા અને ડ્રાઇવીંગની નોકરી કરતા ૫૮ વર્ષના આધેડ અરજણભાઇ દાનાભાઇ ઠાકોરને ૧૦ દિવસ અગાઉ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં એમનું ઓકિસજન લેવલ ઓછું થતાં હાલત નાજૂક બનતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં એમને સારવાર દરમિયાન ફંગલ ઇન્ફ્કેશન એટલે કે મ્યુકર માઇકોસિસ થતાં એમને ત્યાંથી અમદાવાદની અસારવા સિવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જયાં સારવાર દરમિયાન ગુરૂવારે એમનું અકાળે અવસાન થતાં ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની કહેર વચ્ચે મ્યુકર માઇકોસિસથી પહેલી મોતની ઘટનાથી લોકોમાં ફફડાટની સાથે ભયની લાગણી ફેલાવા પામી છે.

(11:30 am IST)