Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વિચરતી જાતિના લોકો અને સેકસ વર્કર બહેનોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા ૩પ લાખની સહાય

રાજકોટ તા. ૧૪ :.. ગત વર્ષથી સમગ્ર વિશ્વ કોવીડની મહમારીનો સામનો કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીની અસરો વ્યાપક છે. લોકોના આરોગ્ય ઉપરાંત રોજીંદા જીવનને પણ આ મહામારીએ અસર કરી છે. લોકોના ધંધા-રોજગારથી લઇ માનસિક સ્વાસ્થ્ય સુધી અસર થઇ છે. દેશના અનેક પ્રાંતોમાં સામાન્ય લોકો માટે તેમનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું છે.

પૂજય મોરારીબાપુએ કોરોનાને લઇને જ સ્થિતિ ઉદભવી છે તેમાં જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ રૂપિયા ૧ કરોડની સહાય પ્રધાનમંત્રી રાહત કોષને એમણે મોકલી હતી જે સહાયની વણથંભી યાત્રા આજે પણ ચાલુ છે. સતત એમણે વિવિધ સંસ્થાઓ, સમાજ સેવી સંગઠનોને આર્થિક સહાય આપી છે અને તે દ્વારા સમાજના છેલ્લા વર્ગના લોકો સુધી પહોંચ્યા છે. સાથોસાથ રામકથાના અવિરત અનુષ્ઠાન દ્વારા લોકોમાં વ્યાપેલી નિરાશા, હતાશા અને દરની માનસિકતા સામે કામ કર્યુ છે.

લોક મંગલ માટેની એમની અપીલને એમની રામકથાના શ્રોતાઓએ હમેશા જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. આજ રોજ ગુજરાત વિચરતી જાતિ સમુદાય મંચના સુશ્રી, મિતલ પટેલની સંસ્થાને બાપુ દ્વારા ૧૧ લાખ આપવામાં આવ્યા છે. એ જ પ્રમાણે દેશના ગુજરાત તેમજ મુંબઇ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ, દિલ્હી સહિત વિવિધ પ્રાંતમાં જે સેકસ વર્કર બહેનોનાં પરિવારનાં પુનઃ વસન માટે કાર્યરત સંસ્થાઓ અને સંગઠનોને ર૪ લાખની સહાય મોકલવામાં આવનાર છે. આમ કુલ ૩પ લાખની સહાય મોકલવામાં આવશે. તેમ જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

(11:34 am IST)