Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વાવાઝોડાની ચેતવણીના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે બોટો લંગારી દેવાઇ : માછીમારો સલામત : સવારે આછા વાદળા-ઉકળાટ યથાવત

તંત્ર એલર્ટ : મહતમ તાપમાનનો પારો ઉંચે ચડ્યો : સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૧.૨ ડિગ્રી

ગોંડલ : આજે સવારે ગોંડલમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ,તા. ૧૪: હવામાન વિભાગ દ્વારા 'તૌકતે' વાવાઝોડાની ચેતવણીના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારોને સલામત સ્થળે બોટ સાથે બોલાવી લેવાયા છે.

આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં થોડીવાર માટે આછા વાદળા છવાઇ ગયા હતા અને સવારથી અસહ્ય ઉકળાટ છે. હવામાનની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે.

જ્યારે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડ્યો છે. અને સૌથી ઉંચુ મહતમ તાપમાન સુરેન્દ્રનગર ૪૧.૨ ડિગ્રી નોંધાયું છે.

વાવાઝોડાની ચેતવણીના પગલે વેરાવળના માછીમાર અગ્રણી વેલજીભાઇ મસાણીએ 'અકિલા' નુ જણાવ્યું હતુ કે, હાલમાં સિઝન પણ ઓછી છે અને માછીમારો જે બોટ સાથે દરિયામાં ગયા હતા તે તમામ દરિયા કિનારે આવી ગયા છે અને બોટને જમીન ઉપર લંગારી દેવામાં આવી છે. તમામ માછીમારો સલામત છે.

દક્ષિણ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ પર હાલ લો પ્રેશર સર્જાયુ છે અને તે જ જગ્યા પર ડિપ્રેશન પણ જોવા મળ્યુ છે. આ તકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે, આગામી ૧૮ તારીખે રાજ્યના સમુદ્ર કિનારે પહોંચશે. સાથો -સાથ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. ત્યારે સાઇકલોનિક સર્કયુલેશન સર્જાતા વાતાવરણમાં પણ બદલાવા જોવા મળ્યો હતો. આ તકે ગુરૂવારના રોજ શહેરનું મહતમ તાપમાન યથાવત ૪૦ ડિગ્રીને પાર જોવા મળ્યે હતું અને ૪૦.૭ ડિગ્રી નોંધાયું હતું. સતત બદલાવના પગલે ૧૮ તારીખ સુધી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે.

ગઇ કાલે અમદાવાદ ૪૧.૩, રાજકોટમાં૪૦.૭, ગાંધીનગર ૪૦.૫, અમરેલી ૩૯.૪, જામનગરમાં ૩૭ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭ મહતમ , ૨૭ લઘુતમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ છવાયું હતું.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લા અને તાલુકા વહિવટીતંત્રના અધિકારીઓને સાવચેત રહેવા સાથે આગોતરૂ ઓયોજન કરવા જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.

લાયઝન અધિકારીઓ તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને દરિયાકાંઠાના ગામો તેમજ જે ગામો વિસ્તારને વાવાઝોડાની અસર થાય તેમ હોય તે આઇડન્ટીફાઇ કરવા સાથે તાલુકાની ટીમ બનાવી ગામ લોકોને ચેતવણીની જાણ કરવા જણાવાયું છે. સ્થળાંતરનો પ્રશ્ન ઉદ્બવે તો સલામત આશ્રયસ્થાનો નક્કી કરવા તેમજ તલાટીશ્રીઓને હેડકવાટર્સમાં હાજર રહેવા જણાવાયું છે.

વાવાઝોડા દરમિયાન માછીમારો તથા અન્ય જહાજો દરિયામાં ન જાય તેની તકેદારી લેવા અને બંદરે સાવચેતીના સીગ્નલ માટે જરૂરી કાર્યવાહી કરવા પોર્ટ વિભાગને જણાવાયું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આપત્ત્િ। વ્યવસ્થાપન તંત્રની સુચના મુજબ જરૂરી સાવચેતી અને તકેદારીના પગલાં લેવા સબંધિત અધિકારીશ્રીઓને અને તમામ વિભાગોને જણાવાયું છે.

ઓખા

(ભરત બારાઇ દ્વારા) ઓખા :  'તોકતે' વાવાઝોડાની આગાહીને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ માછીમારી બોટોને દરિયામાં માછીમારી કરવા જવાના ટોકન ઇસ્યુ કરવાના અટકાવવામાં આવેલ છે. કોઈ પણ માછીમારોએ પોતાની માછીમારી બોટને દરિયામાં માછીમારી કરવા મોકલવી નહી.મત્સ્યોદ્યોગ અધિક્ષક કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની

દરિયામાં હાલ માં માછીમારી કરી રહેલ તમામ માછીમારી બોટોને તાત્કાલિક ધોરણે પરત બોલાવામાં આવેલ છે તેમજ સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરવામાં આવેલ છે અને ફિશરીઝ ગાર્ડઝ પાસે નોંધ કરાવવાની રહેશે.

આ સૂચનાનો ભંગ કરનારની સામે મત્સ્યોદ્યોગ કાયદો અને અધિનિયમ-૨૦૦૩ અન્વયેનીં કાર્યવાહી કરવામાં આવશે.ઓખા મત્સ્યદ્યોગ અધિક્ષક કચેરી દ્વારા જણાવામાં આવેલ છે.

(11:35 am IST)