Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

અખાત્રીજ-પરશુરામ જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી

કોરોના મહામારીમાંથી મુકિત આપવા પ્રાર્થનાઃ જૂનાગઢમાં કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ, તા. ૧૪ :. આજે અખાત્રીજ અને પરશુરામ ભગવાનની જન્મ જયંતિની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાદગીપૂર્ણ ઉજવણી થઈ છે.

કોરોના મહામારીમાંથી મુકિત આપવા પ્રાર્થના થઈ રહી છે. જૂનાગઢમાં કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.

આજે વર્ષના ચાર શ્રેષ્ઠ મુહુર્ત પૈકીનું એક અખાત્રીજ છે. જ્યોતિષમાં અખાત્રીજને વણજોયુ મુહુર્ત કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે કરવામાં આવેલા કોઈપણ પ્રકારના દાનનું પૂણ્ય કયારેય નષ્ટ થતુ નથી. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનુ અક્ષય ફળ મળે છે. આ ઉપરાંત અખાત્રીજે લગ્ન, સગાઈ, નવી દુકાનનું ઉદઘાટન, વાસ્તુ, સોના-ચાંંદીની ખરીદી અતિશુભ માનવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીને કારણે બંધની સ્થિતિને પગલે જે લગ્નો આયોજીત કરાયા છે તે પણ સાદગીથી કરવામાં આવ્યા છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢમાં ભુદેવ દ્વારા પરશુરામ જયંતિની વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સાદગી પુર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.

સમસ્ત બ્રહ્મ યુવા, સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર તથા પ્રમુખ આશિષ ઉપાધ્યાય કમલેશ ભરાડ અને મનિષભાઇ ત્રિવેદી સહિતની ટીમે સમાજને સોશ્યલ મીડીયા મારફત અપીલ કરી વર્તમાન પરિસ્થિતિને લઇ શ્રી પરશુરામ જયંતિની સાદાઇથી ઉજવણી કરવા નકકી કરાયુ છે. બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાક જયદેવભાઇ જોષીએ જણાવ્યુ હતું કે આપણે ર૦૧૭ થી પરશુરામ જયંતિની ભવ્ય ભવ્ય શોભાયાત્રા સહિત કાર્યક્રમો ઉજવણી કરતા હતા.

પરંતુ અનિવાર્ય સંજોગો કોરોના મહામારીને લઇને બીજા વર્ષે પણ ઉજવણી થઇ શકે તેમ ન હોય ત્યારે તમામ કાર્યક્રમો રદ કરી અને પરશુરામ દાદાની આરતી સાંજે ૭.૩૦ કલાકે પોત પોતાના ઘરે રહી કરવા અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ બ્રહ્મસમાજના ભુદેવોના દિવંગત આત્માની શાંતિ માટે ભુદેવ પરિવારો પ્રાર્થના કરશે. અને આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર દેશ વહેલી તકે મુકત થાય તે માટે પ્રાર્થના કરશે.

આ નિર્ણયમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઇ જોષી તથા જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે. ડી. પંડયા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી અને પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન શૈલેષ દવેએ સમર્થન આપી સૌ ભુદેવોને ઘરે જ પરશુરામ જયંતિની ઉજવણી કરવા અપીલ કરી છે.

(11:37 am IST)