Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ખાતરમાં ભાવવધારો પાછો ખેંચવા જામકંડોરણામાં મામલતદારને આવેદન

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૪: ભારતીય કિશાન સંઘ દ્વારા વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ કૃષિમંત્રીશ્રીને ઉદેશીને રાસાયણિક ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો પાછો ખેંચી જુના ભાવે ખાતરનું વિતરણ કરવાની માંગ સાથે જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવેલ છે કે હાલ ગામડાઓની અંદર પણ કોરોનાએ ભયાનક સ્વરૂપ લીધેલું છે કોરોનાને લીધે ગામડાઓની અંદર ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોમાસુ માથે આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ વાવણી પહેલાનું પૂર્વઆયોજન કરવા ખાતર લેવું અને વાવવું ખુબજ જરૂરી છે.

રાજય સરકારે કોઇપણ રીતે આ ભાવ વધારાને એકઝેસ્ટ કરીને ખેડૂતોને આ બોજથી મુકત કરવા જોઇએ તેમજ હાલ કોરોનાના કપરા સમયમાં એક તરફ એપીએમસી બંધ છે ખેડૂતોને ધિરાણ સુલટાવવાના છે. ડીઝલ, બિયારણ, મજુરીના ભાવો વધી રહ્યા છે ત્યારે આ ખાતરનો તોતીંગ વધારો ખેડૂતો ખમી શકે તેમ નથી કેન્દ્ર સરકારની જાહેરાત છે કે આપણા દેશની અંદર ખેડૂતની આવક બમણી કરશે પણ આજ રીતના ભાવ વધારો લાગશે તો બમણી નહીં પણ અડધી થઇ જશે એટલા માટે સરકારે આ બાબતમાં વિચારણા કરી આ લીધેલું પગલું મુલતવી રાખવું જોઇએ આ આવેદનપત્ર આપતી વેળાએ જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેશાઇ, ઉપપ્રમુખ જયસુખભાઇ દેશાઇ, મંત્રી વસંતભાઇ રાદડીયા, તાલુકા ભારતીય કિશાન સંઘના પૂર્વ પ્રમુખ શૈલેષભાઇ ગજેરાએ હાજરી આપી હતી.

(11:39 am IST)