Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

તોકૈત વાવાઝોડાની ઈફેક્ટ શરૂ? બપોર પછી સૌરાષ્ટ્રના

ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

૪ દિવસ પછી ૧૮ મીએ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વચ્ચે આજે અમરેલીના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. તો  દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ધારી તાલુકાના સુખપુર ગામમાં પણ વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ધરતી પુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. સુખપુર, ગોવિંદપુર, સહિતના અન્ય ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લામાં જોરદાર પવન સાથે ધુળની ડમરી ઉડી રહી છે. રાજકોટ કાલાવડ રોડ, વીરડા વાજડી, ખીરસરા ગામ પાસે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. બેડી, હડમતીયા, ગવરીદળ પંથકમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. જો વધુ વરસાદ પડે અને પવન ફૂંકાય તો ખેડુતોના ઉનાળુ પાકમાં નુકશાન થઈ શકે છે.
અમરેલી જીલ્લાના ધારી ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધારી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. કેસર કેરી સહિતના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવવામાં આવી રહી છે.
દરમિયાન તૌકતે વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરમાં તંત્ર સજ્જ બન્યું છે અને હેલિકોપ્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. જયારે દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારોને હાલ પરત આવી જવા માટેની સૂચના અપવામાં આવી છે. દ્વારકા ઓખા પોરબંદર સહિતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

(8:24 pm IST)