Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સાયલાના વખતપર પાસે પીજીવીસીએલની કાર પલ્‍ટી જતા લાઇન ઇન્‍સ્‍પેકટરનું મોત : ૩ને ઇજા

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સાયલાના વખતપર ગામ નજીક પીજીવીસીએલના અધિકારી સહિત કર્મચારીની કાર અચાનક પલ્‍ટી ખાતાં અકસ્‍માત સર્જાવા પામ્‍યો હતો. જેમાં કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓને ઈજા પહોંચી હતી. એક વ્‍યક્‍તિને ગંભીર ઈજા થતાં રસ્‍તામાં મોત નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

માહિતી મુજબ લીંમડી શહેરના ક્રિષના નગરના રમેશભાઈ લાલજીભાઈ પરમાર ઉર્ફે શાષાી અંદાજે ઉંમર ૫૦ જેઓ પીજીવીસીએલ જીઇબી કચેરીમાં  સુદામડા લાઈન ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવે છે અને સાયલા હેડ ક્‍વાર્ટર ખાતે જેઓ જીઈબીના ત્રણ કર્મચારી સહિત સીતાગઢ વિજ કચેરીના સબ સ્‍ટેશનના કામ અર્થે જીઈબીની કાર લઈને જતાં સમયે સાયલાના વખતપર ગામ નજીક અચાનક અજાણ્‍યા વાહનની અડફેટે આવતાં કાર પલ્‍ટી ખાતાં અકસ્‍માત સર્જાયો હતો જેમાં અધિકારી સહિત ત્રણ કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે સાયલા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ લાઈન ઈન્‍સ્‍પેકટરને ગંભિર ઈજાના પગલે વધુ સારવાર અર્થે સુરેન્‍દ્રનગર સીયુશાહ મેડીકલ કોલેજ હોસ્‍પિટલ ખાતે લઈ જતાં સમયે રસ્‍તામાં મોત નિપજયું હતું અને ટીબી હોસ્‍પિટલના ફરજ પરના ડોક્‍ટરે મૃત જાહેર કરતા પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્‍યો છે.

મૃતક આધેડને પીએમ અર્થે શહેરની મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલ ખાતે ખસેડી પીએમ કરવામાં આવ્‍યું છે. મૃતક અધિકારીનુ ચક્ષુદાન કરવામાં આવ્‍યું છે.

(11:42 am IST)