Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પોરબંદરમાં ઇનોવેટીવ આર્ટ ટ્રસ્‍ટ દ્વારા રંગોત્‍સવઃ રાજય ચિત્રકલા કાર્ય શિબિરનો પ્રારંભ

 

પોરબંદર તા. ૧૪ :.. ઇનોવેટીવ આર્ટ ટ્રસ્‍ટ દ્વારા રંગોત્‍સવ-રર' અંતર્ગત રાજય કક્ષાની ત્રિ-દિવસીય ચિત્રકલા કાર્ય શિબિરનો આજે પ્રારંભ થયો હતો. જેમાં પોરબંદર-ગુજરાત અને મહારાષ્‍ટ્રના ચિત્રકારો જોડાયા છે.

ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા, આંતર રાષ્‍ટ્રીય ચિત્રકાર અમીત ધાણે, સુરેશ રાવલ, મહેર મણિયારા રાસના પ્રણેતા રાણા સીડા, કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડા, પોરબંદર જિલ્લા સંસ્‍કાર ભારતીના પ્રમુખ સનતભાઇ જોશી, ગાંધી પ્રેમી રમેશભાઇ ઝાલા શ્રેષ્‍ઠી શ્રી ધવલભાઇ ખેર, તેજસભાઇ થાનકીની પ્રેરક ઉપસ્‍થિતિમાં સાહિત્‍યકાર પુરાતત્‍વવિદ નરોતમ પલાણે, મંગલદીપ પ્રગટાવીને પોરબંદરની ઇનોવેટીવ આર્ટ ટ્રસ્‍ટ આયોજિત રંગોત્‍સવ-રર અંતર્ગત રાજય કક્ષાની ત્રિ-દિવસીય ચિત્રકલાની કાર્ય શિબીરને ખુલ્લી મૂકતાં જણાવ્‍યું  હતું કે કલાએ આનંદ પામવાની કલા છે જેના થકી કુટુંબ, સમાજ આનંદિત રહે તો સમાજમાં ઉદભવતા પ્રશ્નો અને જ્ઞાતિ-જાતિના ભેદ ભાવો મીટી જશે.

ઇનોવેટીવ આર્ટ ટ્રસ્‍ટના પ્રમુખ બલરાજ પાડલીયાએ મહાન ચિત્રકાર અરિસિંહ રાણા, દિગ્‍ગજ ચિત્રકાર રમણીકભાઇ જાપડીયા, જથુભાઇ નાયકની કલાને બિરદાવીને આ કલાકારો ત્રણ દિવસમાં પોરબંદરના જુદા જુદા સ્‍થળે ચિત્રાંકન કરીને પોરબંદરની નગરીને કલાથી મઢશે તેમ જણાવીને મહાનુભાવોને શબ્‍દ કુમ કુમ દ્વારા મીઠો આવકાર આપ્‍યો હતો.

ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરાએ જણાવ્‍યું હતું કે પોરબંદર શહેરમાં વિચાર શીલ અને વિચક્ષણ વ્‍યકિતઓ છે ૧૪ર જેટલી સંસ્‍થાઓ સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ છે. શહેરમાં ઇન્‍ડસ્‍ટ્રીંગ લાવવા માટે શહેરમાં રોજીરોટી ઉભી થાય તે માટે એક બાસદ તૈયાર થઇ રહ્યું છે.

આંતર રાષ્‍ટ્રીય મણિયા રાસના પ્રણેતા રાણાભાઇ સીડાએ સંસ્‍કૃતિને જાળવવી અને પ્રસિધ્‍ધ કરવી એ એક પ્રકારની ભકિત છે.

ચિત્રકારો આ ત્રિ-દિવસીય કાર્ય શિબિરમાં જોડાયા છે. ચિત્રકારોનો ત્રણ કક્ષમાં નિવાસ છે. અરિસિંહ રાણા કક્ષ, ચિત્રકાર કેપ્‍ટન એન. ટી. ખેર, અને અમૃતા શેરગીલ સમાવેશ થયેલ છે. આ ચિત્રકારો અસ્‍માવતી ઘાટ, સાંદીપની રાજ મહેલની મુલાકાત લઇને ચિત્રો તૈયાર કરશે ત્રણ દિવસ દરમિયાન ૪પ૦ વધુ ચિત્રો તૈયાર કરાશે.

છેલ્લા દિવસે આર્ટ ગેલેરીમાં આ ચિત્રો રાજયના દિગ્‍ગજ ચિત્રકારોની હાજરીમાં પ્રદર્શન યોજાશે.

શિબિરમાં કલાકારોને મહાનુભાવોના હસ્‍તે લેન્‍ડસ્‍કેપીંગ કાગળ, મોનોગ્રામ, ટોપી, એનાયત કરી કપાળમાં કુમકુમ તીલક કરીને આવકારવામાં આવ્‍યા હતાં.

કાર્યક્રમ સંચાલન ઉદ્‌્‌ઘોષક ચંદ્રેશભાઇ કીશોર, ધારા જોષી, ક્રિષ્‍ના ટોડરમલ અને રીયા મકવાણા તેમજ આભાર દર્શન ઇનોવેટી આર્ટ ટ્રસ્‍ટના સેક્રેટર શૈલેષભાઇ પરમારે કર્યુ હતું. કમલ ગોસ્‍વામી, દીનેશ પોરીયા, જગુ ઓઝા, દીપક વિઠ્ઠલાણીએ જહેમત ઉઠાવી હતી.

(12:28 pm IST)