Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મોરબી-માળીયા વિસ્તારના સિંચાઇ તેમજ પીવાના પાણી પ્રશ્ને બેઠક યોજાઇ

ગેરકાયદેસર કનેક્શન નહીં ચલાવી લેવાયઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા.

મોરબી-માળીયા વિસ્તારના પીવાના તેમજ સિંચાઇના પાણીના પ્રશ્નોને ધ્યાને લઇને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભા ખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓએ તેમના પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી હતી જેનો યોગ્ય અને હકારાત્મક નિકાલ અંગેની કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના સભા ખંડમાં પીવાના તેમજ સિંચાઇના પાણીના પ્રશ્ને યોજાયેલ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઇપણ સંજોગોમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન ચલાવી નહીં લેવામાં આવે. બ્રાહ્મણી ડેમમાંથી ગેરકાયદેસર રીતે લેવાયેલ પાણીના કનેક્શનને દૂર કરવા અને બ્રાહ્મણી ડેમનું પાણી ફક્ત પીવાના પાણી તરીકે જ ઉપયોગમાં લેવાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સૌની યોજના અંતર્ગત વધુ ગામડાઓનો સમાવેશ કરવા માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલીક ટેન્કર મારફતે પણ પીવાના પાણી પૂરા પાડવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી.
સમીક્ષા બેઠકમાં વેણાસર, ચીખલી, કુંભારીયા, રોહીશાળા, વાંકડા, મહેન્દ્રનગર, વરસામેડી, સોખડા, વીરવીદરકા, નાગડાવાસ સહિત અન્ય ગ્રામ પંચાયતોના પાણીના પ્રશ્ને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ હકારાત્મક અભિગમ રાખીને અધિકારીઓને પ્રશ્નોનો તાત્કાલીક નીવેડો લાવવા વિવિધ સુચનો કર્યા હતા. સાથે જ તમામ સંબંધિત વિભાગોને સંકલનમાં રહીને પ્રગતિ હેઠળના અધૂરા કામો પણ તાત્કાલીક કામગીરી કરવા પણ સુચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિત પાણી પુરવઠા, સીંચાઇ, પી.જી.વી.સી.એલ. માર્ગ અને મકાન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

   
(10:57 pm IST)