Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વેરાવળ વિસ્તારમાં કોરોના કાળમાં રેમડેસીવીર ઈન્જેકશનો વેચાયા : અનેક સામે તપાસ કરતી અમદાવાદની પોલીસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: શહેરમાં કોરોનાના સમયમાં જયારે જોરદાર ઈન્જેકશનોની માંગ હતી ત્યારે અમદાવાદથી ચોરાયેલ ઈન્જેકશનો ખુલ્લેઆમ વેચાયા હતા તેથી અમદાવાદની પોલીસ વેરાવળ આવી પહોંચી અનેકના નિવેદનો લીધા હતા પણ તેમાં કોઈની અટકાયત કરેલ ન હોય તેવું જાણવા મળેલ છે.

વેરાવળ વિસ્તારમાં જયારે કોરોનામાં અનેક માણસો મૃત્યુ પામતા હતા ત્યારે રેમડેસીવીર ઈન્જેકશનની ખુબજ જરૂર હોય તેથી આ ઈન્જેકશનો ખુલ્લેઆમ વેચાયેલ હતા જેથી પોલીસે અનેકના નિવેદનો હતા તેમાં દરેકને ભોગ બનેલા હોય તે રીતે સાક્ષી બનાવાયા હતા.

અમદાવાદ પોલીસે જણાવેલ જે તે વખતે દરવેઝ ઈમ્તીયાઝ ગુલામ હુસેન પાસેથી વેરાવળમાં અનેક ઈન્જેકશનો આવેલ હોય જે હજારો રૂપીયામાં વેચાતા હતા આ ઈન્જેકશનો હોસ્પીટલોમાંથી ચોરાયેલ હોય જેથી આરોપી પાસેથી માહીતી મેળવી ટીમ વેરાવળ પહોચી હતી અને જેને ઈન્જેકશનો મોકલેલ હતા તેની પાસેથી નિવેદનો મેળવેલ હતા તેમ અમદાવાદ પોલીસે જણાવેલ હતું સાથે જણાવેલ હતું કે મજબુરીમાં ઈન્જેકશનો મેળવેલ હોય જેથી તમામને સાક્ષી બનાવેલ છે.

ગુજરાત સરકારનું ગૃહ મંત્રાલય પણ જે તે વખતે ખુલ્લેઆમ થતી કાળા બજારીથી ચોંકી ઉઠેલ હતું અમદાવાદથી વેરાવળ સુધી ભાવે ભાવ ઈન્જેકશન વેચાય તે જવાબ કયાંક ખોટા હોય તેવું જણાય છે કારણ કે જે આરોપી ઈન્જેકશનો મોકલતો હતો તે એકજ જગ્યાએ મોકલતો અને ત્યાંથી આ ઈન્જેકશનો હજારો રૂપીયામાં અપાતા હતા તેવું ખુલ્લેઆમ ચર્ચાય રહેલ છે.

અમદાવાદ પોલીસ ભાલકા પોલીસ ચોકીમાં ઈન્જેકશન ખરીદનાર મુખ્ય માણસને બોલાવી તેને કોને કોને વેચેલ હતા તેના નિવેદનો પણ લીધા છે આ ટીમ સોમનાથ હોટલમાં રોકાયેલ હતી તેવુંપણ જાણવા મળેલ છે હાલ કોરોના નબળો પડી ગયેલ હોય જેથી આ પ્રકારણ પણ બંધ જેવું થઈ ગયેલ હોય અમદાવાદનો આરોપી સાબરમતી જેલ માં છે ત્યારે વેરાવળમાં અનેક ના નિવેદના લઈ સંતોષ માનતી પોલીસ સામે પણ પ્રશ્નાર્થ ઉઠેલ છે.

રાજય સરકારનું ગૃહમંત્રાલય ગીર સોમનાથ જીલ્લાના એસ.પી દ્રારા ઈન્જેકશન પ્રકરણમાં તપાસ થાય તેવી માંગ ઉઠી છે.

(1:02 pm IST)