Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જામનગર જિલ્લામાં સિંચાઇના પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા રાઘવજીભાઇ પટેલની માંગણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૪ : ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજયના સિંચાઇ ખાતાના સચિવને રૂરૂ મળીને જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના સિંચાઇના પ્રશ્નોના ત્વરીત ઉકેલ લાવવા માંગણી કરી હતી.

જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જામનગર મહાનગરપાલીકા હસ્તકના રણજીતસાગર ડેમનો કાઢીયો ર ફુટ ઉંચો કરવામાં આવેલ છે. જેના કારણે હર્ષદપુર, નાધુના, લાવડીયા, નારણપુર ગામોના ખેડૂતોની ખેતીની આશરે ૧૪૦૦ થી ૧૫૦૦ વિદ્યા જમીન ડુબમાં જવા પામેલ છે. આ ખેડૂતોની ડુબમા ગયેલ જમીન સંપાદન કરી વળતર ચુકવવા માંગણી કરી હતી.

ફલ્લા ગામે કંકાવટી ડેમ ઓવરફલો થાય ત્યારે કેનાલ દ્વારા નીચે આવેલ તળાવો ભરી આપવાની મંજૂરી મળેલ છે અને તે અનુસાર ડેમના જમણા કાંઠા એચ.આર. બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે તો હાલમાં બનાવવામાં આવતા એર.આર તથા કુંડીના પાઇપને જે સ્થિતીમાં ડાબા કાંઠાની કેનાલ છે તે લેવલ રાખવા માંગણી કરી હતી. ઉંડ-૧ કટીંગ કેનાલનું કામ ચાલુ હતુ પરંતુ આ કામ અધુરૂ મુકેલ છે આ કામના નકશા અંદાજપત્રમાં ઘણી ક્ષતિઓ રહી ગયેલ હતી માટે ખેડૂતોને ઉપયોગી થાય તે રીતે નવેસરથી નકશા અંદાજપત્રો બનાવવા માંગણી કરી હતી.

નર્મદા આધારીત સૌની યોજનાની લીંક-રની પાઇપલાઇન જામનગર તાલુકાના હડમતીયા, મતવા અને ચંદ્રાગા ગામની સીમ માંથી પસાર થયેલ છે. આ પાઇપલાઇનના ખોદકામ વખતે ખેડૂતોનો ખેતરમાં થયેલ નુકશાની અન્વયે ખેતરોનું લેવલીંગ કામગીરી કોન્ટ્રાકટર મારફત પુરી કરવાની હતી પરંતુ પાઇપલાઇનનું કામ ર વર્ષથી પુર્ણ થયેલ હોવા છતા આજે દિન સુધી કોન્ટ્રાકટર દ્વારા ખેતરોમાં થયેલ નુકશાનીની કામગીરી પુર્ણ કરવા આવે નથી માટે તાત્કાલીક આ કામગીરી પુર્ણ કરવા રાઘવજીભાઇ પટેલે માંગણી કરી હતી.

(1:08 pm IST)