Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજ્યમા 22 જિલ્લામાં વરસાદ વરસ્યો : વીજળી પડતાં 5 લોકોનાં મોત

ભચાઉના ખારોઇ ગામે વિજળી પડતા 2 , ધ્રાંગધ્રામાં ભરાડા ગામે 1, પાટણના બોરસલ્લી ગામે 1 અને મહિસાગર જિલ્લામાં ગોઠીબડા ગામે વીજળી પડતાં મહિલાનું મોત

રાજ્યમાં આજે પણ 22 જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જોકે આજનો વરસાદ કેટલાક વિસ્તારમાં આફત બનીને આવ્યો હતો. કેમ કે વરસાદી વીજળી પડવાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 5 લોકોના મોત થઇ ગયાં છે જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

  આ અંગે મળેલી વીગતો પ્રમાણે કચ્છમાં ભચાઉ તાલુકાના ખારોઇ ગામે વિજળી પડતા 2 નાં મોત થયાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં ભરાડા ગામે ખેતરમાં કામ કરી રહેલા ત્રણ યુવકો પર વીજળી પડી હતી. વીજળી પડતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પાટણના બોરસલ્લી ગામે ખેતરમાં બાજરી લણવાનું કામ કરી રહેલા એક કિશોર પર વીજળી પડી હતી. વીજળી પડવાથી કિશોરનું મોત થયું હતું. મહિસાગર જિલ્લામાં ગતરાતે ગોઠીબડા ગામે વીજળી પડતાં મહિલાના મોતની ઘટના બની હતી. આ ઉપરાંત જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં આકાશી વીજળીના કારણે પશુઓનાં પણ મોત થયાં છે.

(8:28 pm IST)