Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખેડૂતોની આર્થિક સમૃધ્‍ધિ માટે કેન્‍દ્ર સરકાર વચનબધ્‍ધ : એગ્રી કલ્‍ચર ઇન્‍ફ્રા ફંડ હેઠળ પ્રત્‍યેક ખેડૂતને ૨ કરોડ રૂા.ની લોન : કેન્‍દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ૧ લાખ ૩૨ હજાર કરોડ અને એગ્રી કલ્‍ચર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ફંડનું ૧ લાખ કરોડનું બજેટ : ૧૦,૦૦૦ ફાર્મર પ્રોડયુસર કંપની બનાવવાની દિશામાં ગતિશીલ કામગીરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્‍છના બે દિવસના પ્રવાસે આવેલા કેન્‍દ્રીય કૃષિ, કિસાન કલ્‍યાણ રાજય મંત્રી કૈલાસ ચૌધરીએ મુન્‍દ્રામાં કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર મધ્‍યે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનને ખુલ્લું મૂક્‍યું હતું.ᅠ

મંત્રીશ્રીએ કચ્‍છ જિલ્લામાં થતી વિવિધ પ્રકારની ખારેક તેમ જ અન્‍યᅠ પ્રાકૃતિક ખેત ઉત્‍પાદનોનું પ્રદર્શન નિહાળી આ સંદર્ભે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ઉપસ્‍થિત ખેડૂતોને સંબોધન કરતાં કેન્‍દ્રીય મંત્રીશ્રી કૈલાસ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે વચનબદ્ધ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કૃષિ માટેનું બજેટ વધારીને ૧ લાખ ૩૨ હજાર કરોડ રૂ. કર્યું છે. આ સિવાય ખેડૂતો માટે ખાસ એગ્રીકલ્‍ચર ઇન્‍ફ્રા ફંડ હેઠળ ૧ લાખ કરોડનું ભંડોળ ફાળવાયું છે. ખેડૂતો પોલીહાઉસ, ગ્રીન હાઉસ, કોલ્‍ડ સ્‍ટોરેજની માળખાગત સુવિધાઓ વિકસાવી શકે તે માટે ખેડૂત દીઠ ૨ કરોડ રૂ. લોન મળી શકે છે. આ લોન પ્રક્રિયા ઓન લાઈન થાય છે. ખેડૂત માટે લોન ઉપર ૩ ટકા વ્‍યાજ માફીની છૂટ પણ છે. વળી, આ યોજનામાં સરકાર જાતે બેંક ગેરંટી આપે છે. ખેડૂતોને જમીન ગીરવે મૂકવી પડતી નથી. આ યોજનાનું મોનીટરીંગ સરકાર જાતે કરે છે. ખેડૂતો પોતાના ખેત ઉત્‍પાદનનું માર્કેટિંગ કરી શકે તે હેતુથી કેન્‍દ્ર સરકાર ફાર્મર પ્રોડ્‍યુસર કંપની (FPO) બનાવવા માટે સક્રિય રહી અનેક પ્રોત્‍સાહન આપી રહી છે. ૧૦,૦૦૦ FPO બનાવવાની દિશામાં ગતિશીલ કામગીરી થઈ રહી છે. ખેડૂતો FPO ના માધ્‍યમથી પોતાના ખેત ઉત્‍પાદન નું ગ્રેડિંગ, પ્રોસેસીંગ માર્કેટિંગ કરી શકે છે. જેથી ખેડૂત સીધો જ પોતાનો માલᅠ બજારમાં વેચી શકે છે. આવી અનેક યોજનાઓ તળે સરકાર વેલ્‍યુ એડીશન માટે પણ ખેડૂતને પ્રોત્‍સાહિત કરે છે. કચ્‍છમાં ખારેક, કેરી અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) માં ખેડૂતો દ્વારા વેલ્‍યુ એડીશન સાથે કરાતા વેચાણની કેન્‍દ્રીય મંત્રીશ્રીએ સરાહના કરી હતી. જોકે, બદલાતા સમય સાથે કદમ મેળવવા પ્રાકૃતિક ખેતીને અપનાવવા કેન્‍દ્રીય મંત્રીશ્રી ચૌધરીએ ભલામણ કરી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં પાક ઉત્‍પાદનનો ખર્ચ શૂન્‍ય થાય છે, જયારે પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્‍ય ખેડૂતને વધુ મળે છે. સાથે સાથે યુવા વર્ગને પણ ખેતી આજે આર્થિક આવક માટે ઉત્તમ હોઈ ખેતી ક્ષેત્રે આગળ આવી આત્‍મનિર્ભર બનવા આહવાન આપ્‍યું હતું. મંત્રીશ્રીએ મોદી સરકારના શાસનકાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્‍યમાન ભારત યોજના, દિન દયાલ ગ્રામ જયોતિ યોજના જેવી અનેકવિધ યોજનાઓ લોકો માટે શરૂ કરાઈ હોવાની વિસ્‍તૃત જાણકારી આપી હતી.ᅠ મંત્રીશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની કામગીરી અંગેની માહિતીના પુસ્‍તક વિમોચન ઉપરાંત પર્યાવરણની જાગૃતિ અર્થે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના ચેરમેન શાંતિભાઈ મેકોની અને વૈજ્ઞાનિક ડો. એ.યું. ટાંકે જણાવ્‍યું હતું કે, તેમની સંસ્‍થા કચ્‍છમાં થતી ખારેકની ક્‍વોલિટી જળવાઈ રહે , ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે, ડ્રિપ ઇરીગેશન ઉપરાંત જળસંગ્રહ માટે સરકાર તેમ જ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને ખેડૂતો સાથે મળી કામ કરી રહી છે. કચ્‍છમાં ખેતી ક્ષેત્રેᅠ સફળ વિવિધ પ્રયોગો કરનાર પ્રગતિશીલ ખેડૂતો, ખેત ઉત્‍પાદનોનું વેલ્‍યુ એડીશન કરનાર ખેડૂતો, જળસંગ્રહ, ડ્રિપ ઇરીગેશન, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રયોગશીલ કાર્ય કરનાર ખેડૂતોનું મંત્રીશ્રી કૈલાસ ચૌધરી દ્વારા સન્‍માન કરાયું હતું. કચ્‍છ જિલ્લામાં ખેતી ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવનાર ખેડૂતોએ પોતાના ખેતીના સફળ પ્રયોગોના સ્‍વાનુભવો વર્ણવ્‍યા હતા.ᅠ કાર્યક્રમમાં ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, આઈસીઆર અટારી પુના ના ઝોનલ ડાયરેકટર ડો. લાખનસિંગ, કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના ચેરમેન શાંતિભાઈ મેકોની, વૈજ્ઞાનિક ડો. એ.યુ. ટાંક, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ જિલ્લાભર માંથી ખેડૂત ભાઈ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:52 am IST)