Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

હવે નૈતિક, સામાજિક, આર્થિક આઝાદી સમાજની જવાબદારી : રામ માધવ

કચ્‍છમાં આરએસએસના વરિષ્‍ઠ પ્રચારકની પ્રબુધ્‍ધ નાગરિકો સાથે ગોષ્‍ઠી, માત્ર સરકાર બધું કરે એવું નહીં પણ સમાજ ‘એકતા'ના પ્રયાસો કરે તે જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્‍સવ પ્રસંગે ભુજ મધ્‍યે આરએસએસના વરિષ્ઠ પ્રચારક, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મંત્રી અને જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ પ્રભારી રહી ચૂકેલા રામ માધવની ભુજમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠિ યોજાઈ ગઈ. કચ્‍છ સંપર્ક વિભાગ દ્વારા આયોજિત ‘સ્‍વાધીનતાથી સ્‍વતંત્રતા' એ વિષય ઉપર આયોજિત આ વિચાર ગોષ્ઠિમાં રામ માધવે પોતાના વિચારો વ્‍યક્‍ત કરી શ્રોતાઓના પ્રશ્નોના જવાબો આપ્‍યા હતા.
રામ માધવે આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં જણાવ્‍યું હતું કે, દેશને સ્‍વતંત્રતા નહિ પણ સ્‍વાધીનતા મળી છે. બ્રિટિશરો ૧૯૪૬માં જ ભારતના ક્રાંતિકારીઓ, કિસાનો, વનવાસીઓ, સાહિત્‍યકારો અને સંતો સહિત ભારતીય પ્રજાના મનોબળ સામે થાકી ગયા હતા. એટલે એમણે ભારતને સ્‍વાધીન કરવાનો નિર્ણય કર્યો. આપણને સાચી સ્‍વતંત્રતા ત્‍યારે મળી કહેવાશે જયારે પ્રત્‍યેક દેશવાસીને આર્થિક, નૈતિક, સામાજિક આઝાદી મળશે. આવી આઝાદી મેળવવાનું કામ સરકાર ઉપર છોડવાને બદલે સમાજે પોતાના હાથમાં લેવું પડશે. એના માટે સામાજિક એકતા મજબૂત કરવી પડશે.
દેશના ૧૩૦ કરોડ લોકોએ હળીમળી ને રહેવું પડશે. સાથે રહેવાના નિયમો બનાવી હિન્‍દુઓ અને મુસ્‍લિમોએ એકતા જાળવવાની વ્‍યવસ્‍થા ગોઠવવી પડશે. મહિલાઓનું સન્‍માન જાળવવું પડશે. આઝાદીને પૂર્ણ કરવા સમાજે પ્રયાસો કરવા પડશે.
કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહ મહેશ ઓઝા, વિભાગ સંઘ સંચાલક નવીન વ્‍યાસ, વિભાગ કાર્યવાહ રવજી ખેતાણી મંચસ્‍થ રહ્યા હતા. જયારે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, નગરપતિ ઘનશ્‍યામ ઠક્કર, કચ્‍છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્‍ય પ્રધ્‍યુમનસિંહ જાડેજા, ઉદ્યોગપતિ દીપેશ શ્રોફ, સંઘના મોવડી દિલીપ દેશમુખ અગ્રણીઓ ગોપાલ ગોરસિયા, ચેમ્‍બરમાં પ્રમુખ રાજેશ ભટ્ટ, મહંત દેવનાથ બાપુ, નારાયણ સરોવરમાં સોનલલાલજી, ભુજ સ્‍વામિનારાયણ મંદિરના સંતો સહિત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. વ્‍યવસ્‍થા પ્રાંત સેવા પ્રમુખ નારાણ વેલાણી, જિલ્લા સંપર્ક પ્રમુખ ચિરાગ કોઠારી, જગદીશ બરાડિયાએ સંભાળી હતી.

 

(10:45 am IST)