Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કચ્‍છમાં ક્‍યાંક ઝરમર, ક્‍યાંક ઝાપટા સાથે અડધોથી દોઢ ઇંચ વરસાદ : વીજળી પડતા બે પિતરાઇ ભાઇના મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : આગાહી વચ્‍ચે કચ્‍છમાં આગોતરા વરસાદ સાથે ચોમાસાએ દસ્‍તક મારી છે. ગઇકાલે બપોર બાદ એકાએક પલટાયેલા વાતાવરણ સાથે ક્‍યાંક ઝરમર તો ક્‍યાંક જોરદાર ઝાપટાં સાથે અડધોથી દોઢ ઇંચ વરસાદ પડ્‍યો હતો. જોકે, વરસાદી માહોલ વચ્‍ચે ભચાઉના ખારોઈ ગામે વીજળી પડતાં ગાયો ચરાવી રહેલા બે પિતરાઈ માલધારી ભાઈઓના મોત નીપજયા હતા.

મૂળ બન્નીના રેલડી ગામના અને હાલે ગાયો સાથે ખારોઈ આવેલા સલાઉદ્દિન ફતેમામદ હાલેપોત્રા (ઉ.૨૮) અને બાપુ ન્‍યાલ હાલેપોત્રા (ઉ.૨૮) બન્ને યુવાન પિતરાઈ ભાઈઓ વરસાદ પડતાં ગાયો સાથે લીમડા નીચે ઊભા હતા ત્‍યારે ઝાડ ઉપર ત્રાટકેલી વીજળી તેમને ભરખી ગઈ હતી. વીજળીના કારણે ૭ જેટલી ગાયો ઝાટકા સાથે ફંગોળાઈ નીચે પડી હતી.

ભુજ, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા, લખપત અને માંડવી પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો હતો. ક્‍યાંક ઝરમર તો ક્‍યાંક ઝાપટાં સાથે અડધો થી દોઢ ઇંચ વરસાદ પડતાં રસ્‍તા ઉપર પાણી વહી નીકળ્‍યાં હતાં. જોકે, ગાંધીધામ, મુન્‍દ્રા અને અબડાસા પંથક કોરા ધાકોડ રહ્યા હતા.

(10:40 am IST)