Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગોંડલના વાસાવડ ગામે જુના મનદુઃખમાં રમેશભાઇ ઉપર હુમલોઃ પ સામે ફરીયાદ

લોધીકાના નગરપીપળીયા ગામે ખેતરના રસ્તા પ્રશ્ને વિઠ્ઠલભાઇ ઉપર લાકડીથી હુમલો

રાજકોટ તા. ૧૪: ગોંડલના વાસાવડ ગામે શેઢા-પાણીની જુની તકરારમાં પ્રૌઢ ઉપર બે મહિલા સહિત પાંચએ હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ વાસાવડમાં રહેતા રમેશભાઇ મુળજીભાઇ વિરડીયા (ઉ.વ.પ૦) ઉપર તેના કૌટુંબીક ભાઇ સવજી જીવરાજભાઇ વીરડીયા, હંસાબેન સવજીભાઇ વિરડીયા, પરેશ સવજીભાઇ વીરડીયા, ધારાબેન પરેશભાઇ વિરડીયા તથા રવિ સવજીભાઇ વિરડીયાએ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો મારમારી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત અને આરોપીઓના ખેતર એક શેઢે હોય અગાઉ પાણી તથા શેઢા બાબતે થયેલ તકરારનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે રમેશભાઇએ ઉકત પાંચેય સામે ફરીયાદ નોંધાવતા ગોંડલ તાલુકાના હેડ કો. મદનસિંહે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં લોધીકાના નગર પીપળીયા ગામે ખેતરના રસ્તા પ્રશ્ને ચાલતા જુના મનદુઃખનો ખાર રાખી વિઠ્ઠલભાઇ શામજીભાઇ વસોયા (ઉ.વ. પર) ઉપર તેના ભાઇ પરસોતમ તથા હિરા વેલાભાઇ સાકરીયાએ લાકડી વડે તથા ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી. આ અંગે ઉકત બન્ને સામે ફરીયાદ થતા લોધીકાના એ.એસ.આઇ. એમ. એફ. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)