Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પાટડીમાં અઢી, ચોટીલા-ચુડામા-ર ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન : સમયસર વરસાદથી રાજીપો

તસ્વીરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર ઃ હેમલ શાહ (ચોટીલા), મનસુખ બાલધા (જામકંડોરણા), પિન્ટુ શાહ (વિંછીયા), સમીર વિરાણી (બગસરા), વિનોદ ગાલા (ભૂજ)

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને દરરોજ સાંજના સમયે અનેક જગ્યાએ ઝાપટાથી માંડીને અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જાય છે.

કાલે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીમાં અઢી ઇંચ તથા ચોટીલા અને ચુડામા -ર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત તળાજા, મહુવા, અબડાસા, નખત્રાણા, ભુજ, ગીરગઢડા, જામજોધપુર, જામનગર, લાલપુર, મુળી, લખતર, લીંબડી, વઢવાણ, સાયલા, થાનગઢ, ધ્રાંગધ્રામાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : ઉપલેટા તાલુકાના ઇસરા વરજાંગ જાળીયા નિલાખા નાગાવદર સહિત ગામો વરસાદ પડેલો હતો જયારે ઉપલેટા શહેરમાં બપોરના ૩ થી ૪ વાગ્યા સુધી ૮ મીમી વરસાદ પડેલો હતો વરસાદ બાદ બફારો વધી ગયો હતો.

ચોટીલા

ચોટીલા માં સોમવારે સવાર થી આકાશમાં વાદળા ગોરંભાયા બાદ બપોરે એક કલાક માં બે ઇંચ વરસાદ વરસી જતાં નગરજનો ને દિવસો ના ઉકળાટ બાદ રાહત મળી હતી જ્યારે ગ્રામ્ય વિસ્તારો માં ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. નાના મોટા દરેક વરસાદ માં નહાવાનો આનંદ લેતાં નજરે ચડ્યાં હતાં.

સોમવારે બપોરે વીજ કડાકાઓ સાથે ચોટીલા માં સીઝન નો પહેલો મુશળધાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે મહીનાઓ થી અસહ્ય બફારો અને ગરમી નો ભોગ બની રહેલાં નગરજનો ને રાહત મળી હતી અને લોકો એ  વરસતા વરસાદ માં નહાવાનો આનંદ લીધો હતો.

તેવી જ રીતે ચોટીલા તાલુકા ના નાના પાળિયાદ , સાંગાણી , મોલડી , ચાણપા , દુધેલી , કાંધાસર જેવા અન્ય ગામો માં પણ વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતો માં પણ હરખ છવાયો હતો. જ્યારે તાલુકા ના અનેક ગામડાઓમાં વાવણી પણ શરૂ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે ચોટીલા કંટ્રોલ રૂમ ના જણાવ્યાં મુજબ સાંજ સુધી માં ૫૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામકંડોરણા

(મનસુખભાઇ બાલધા દ્વારા) : જામકંડોરણામાં ગઇકાલે બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો આજે સાંજના ૪ વાગ્યે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે પ વાગ્યા સુધી એક કલાક વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ ૮ મીમી નોંધાયો હતો આ વરસાદથી થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોમાં તેમજ લોકોમાં આનંદ છવાયો હતો.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા, : વિંછીયામાં ગત સમી સાંજના મોસમના પ્રથમ વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવતા જ વાતાવરણમાં અનેરી સોડમ પ્રસરી ગઇ હતી. વરસાદથી રોડ -રસ્તા પર પાણી વહી ગયા હતા. તો હંમેશની જેમ વરસાદ આવતા વીજળી રાણી રિસાઇ ગયા હતા. બીજી બાજુ વરસાદ આવતા નાના બાળકોને વરસાદમાં ન્હાવાની મોજ પડી ગઇ હતી.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા : પંથકમાં સખત ઉકળાટ બાદ ગઇકાલે બપોરેના સમયે ગરમી પડતા પવન સાથે એક ઇંચ વરસાદ પડતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બગસરાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા બગસરાના સ્ટેશન રોડ તથા શાકમાર્કેટ તથા મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા તથા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને વાવણી લાયક વરસાદ પડતા ખેડુતોમાં પણ ખુશી છવાઇ હતી.

 

 

 

નિવૃત પ્રવાસન અધિકારી રૂસ્તમજી

મરોલીયાનું અવસાન : ગુરૂવારે સાંજે બેસણુ

સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ સંગીતકાર બાબાભાઇ મરોલીયાના લઘુબંધુ હતા

રાજકોટ : શ્રી રૂસ્તમજી હોરમસજી મરોલીયાનું (નિવૃત પ્રવાસન અધિકારી) તે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ સંગીતકાર બાબાભાઇ મરોલીયા (નિવૃત વેસ્ટર્ન રેલ્વે)ના લઘુબંધુ અને શ્રીમતી શોભનાબેનના પતિ તેમજ પ્રશાંત પંડ્યા અમદાવાદ, રાજેશ મકવાણા, મહેશ મકવાણા, રાજકોટ ગિરીશ મકવાણા અને હર્ષદ મકવાણા જેતલસરના મામાનું તા. ૧૩ને સોમવારે અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થનું બેસણુ તા. ૧૬ને ગુરૂવારના રોજ કાશી વિશ્વનાથ મંદિર સ્ટેશન પ્લોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન રાખવામા આવ્યુ છે.

(11:36 am IST)