Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કોરોનાકાળમાં બંધ થયેલ અમરેલી - રાજકોટ અને જસદણ - કુંકાવાવ રૂટની બસો હજુ પણ બંધ જ છે

(અરવિંદ નિમળ દ્વારા) અમરેલી તા.૧૪ : મુસાફરોની સુખાકારી અંગે સરકાર દ્વારા એસ.ટી. બસનું પરિવહન કરવામાં આવે છે. ખોટના ખાડામાં હોવા છતા પણ લોકોની સુવિધા અર્થે એસટી બસો ચલાવવામાં આવે છે ત્‍યારે ગોંડલ ડેપોની અમરેલી - રાજકોટ વાળી ગ્રામ્‍ય રૂટની બસ કોરોના કાળથી બંધ કર્યા બાદ આજદિન સુધી શરૂ કરવામાં ન આવતા ગોંડલ ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવેલ હતી.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી જીલ્લાનું અને કુંકાવાવ તાલુક હદનું છેલ્લુ  ગામ સાળીગપુર છે. સાળીંગપુર ગ્રામજનો દવાખાનામાં તેમજ અન્‍ય કામો અર્થે ગોડલ તેમજ રાજકોટ એસ.ટી. મારફત જતાં હતા. એસ.ટી. તંત્ર દ્વારા વરસોથી અમરેલી રાજકોટ - વાયા વાસાવડ, દેવગામ રૂટની બસ ગામે નાઇટ હોલ્‍ટ હતો. કોરોના કાળનાં લોકડાઉન સમયે આ બસ બંધ કરી દેવામાં આવેલ હતા જે કોરોનાની વિદાય બાદ જનજીવન રેગ્‍યુલર થઇ જવા છતાં પણ બંધ કરવામાં આવેલી. આ બસ હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. આ બસ ગોંડલ ડેપોની હતી. સાળંગપુરનાં ગ્રામજનો માટે આ બસ ખુબ જ મહત્‍વની હતી. આ બસ બંધ થતાં ગ્રામજનો ખાનગી વાહન ચાલકો પાસે આર્થિક લંટાઇ રહેલ છે. આ બસ બંધ થતા ગ્રામજનો વિદ્યાર્થીઓને પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડે છે. ત્‍યારે ગામના સરપંચ ગોંડલ ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવેલ હતી કે વરસોથી આપવામાં આવેલ બસની સુવિધા બંધ કરી દેવામાં આવેલ છે. તે સુવિધા ફરી ચાલુ કરવી જેથી કરીને  ગ્રામજનોને સહન કરવી પડતી મુશ્‍કેલી દુર થઇ શકે.
જસદણ - કુંકાવાવ રૂટની જસદણ ડેપોની બસ પણ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. ગ્રામજનોને આ બસ બંધ થવાથી પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડે છે. આ રૂટ છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવેલ છે આ બસ વાયા ખાનસડા - દેવળીયા સહિતના ગ્રામ્‍ય પંથકમાંથી પસાર થતી હતી. જેના કારણે અનેક ગામના મુસાફરોની સુવિધા છિનવાઇ ગયેલ હતી. આ રૂટ ફરી ચાલુ કરવાં જસદણ ડેપો મેનેજરને સરપંચે લેખિત રજુઆત કરેલ હતી.

 

(11:44 am IST)