Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદાની શ્રી કિસાન સહકારી મંડળીની કારોબારી સમિતિની ચૂંટણી રદ્દ કરી વહીવટદારની નિમણુંક કરવા હુકમ

જિલ્લા રજીસ્‍ટ્રાર મારફત એક માસમાં અહેવાલ રજૂ કરવા લવાદ કોર્ટનો ચુકાદો

રાજકોટ તા. ૧૪ : અત્રેની લવાદ કોર્ટ રાજકોટનાં સીનીયર જજ શ્રી જયકાંત એન. દવે એ શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાની સને - ર૦ર૧ થી સને ર૦ર૬ સુધીની વ્‍ય.કમીટી સભ્‍યોની ચુંટણી રદ કરવા અન્‍વયેનો દાવો મંડળી સભાસદ યુનુસભાઈ માહમદભાઈ ખોરજીયાએ સદરહું ચુંટણી રદ કરીને ફરીવાર જીલ્લા રજીસ્‍ટ્રારશ્રી, મોરબી મારફત ચુંટણી કરવાનો દાવો દાખલ કરેલ અને તેમાં લવાદ કોર્ટ ઘ્‍વારા સદરહું કારોબારી સમિતી સભ્‍યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્‍ટ્રારશ્રીએ તટસ્‍થ ચુંટણી અધિકારીશ્રીની નીમણુંક કરીને મંડળીના વ્‍ય.કમીટી સભ્‍યોની ચુંટણી ફરીવાર કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયામાં વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદા કારોબારી સમિતી સભ્‍ય છે અને અગાઉ આ મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.પંચાસીયાના વ્‍ય.કમીટી સભ્‍યોની સને - ર૦ર૧ માં પુર્ણ થતી હોય જેથી સદરહું મંડળીના જાગૃત સભાસદો તટસ્‍થરીતે ચુંટણી થાય તેવી માંગ સાથે જરુરી વિગતો માંગતા પરતું વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદા ત્‍થા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી તેના દ્વારા કોઈ વિગતો, હકીકતો આપવામાં આવેલ નથી અને તે બાબતે રાજય રજીસ્‍ટ્રારશ્રી, જીલ્લા રજીસ્‍ટ્રારશ્રી સહીતની ઓથોરીટી સમક્ષ રજુઆતો થયેલ. વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદા ત્‍થા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી બેઠાથાળે અને કોઈપણ સભાસદનો જાણ કર્યા વગર ચુંટણી કરી નાખશે તેવી દહેશત હતી અને સદરહું મંડળીના હોદેદારોએ તે શંકા મુજબ બેઠાથાળે ચુંટણી કરી નાખેલ જેથી મંડળીના સભાસદોએ આ અંગેની જીલ્લા જી.શ્રી મોરબીને રજુઆત કરતાં લવાદ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવાનું જણાવેલ. મંડળીના સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર.દેથલીયા મારફત દાવો દાખલ કરી સદરહું ચુંટણી રદ કરવા અને ફરીવાર ચુંટણી કરવા માટેની અરજી આપેલ.

લવાદ કોર્ટના સીનીયર જજશ્રી જયકાંત દવે દ્વારા દાવા અરજી, જરૂરી દસ્‍તાવેજો સાથે સાથે કાયદાકીય જોગવાઈઓ આપેલ, અદાલતે તમામ પેપર્સ, કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને શ્રી સતિષ આર.દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્‍ય જણાતાં મંડળીના કારોબારી સમિતી સભ્‍યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્‍ટ્રારશ્રી, મોરબીએ તટસ્‍થ ચુંટણી અધિકારીશ્રીની નીમણુંક કરીને એક માસમાં ચુંટણી કરવી અને તેનો અહેવાલ લવાદ કોર્ટમાં રજુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

સદરહું હુકમ અન્‍વયે જીલ્લા રજીસ્‍ટ્રારશ્રી અન્‍વયે મંડળીમાં શુન્‍યઅવકાશ સર્જાય નહી તે માટે અને મંડળીનો વહીવટ ખોરવાઈ નહી તે માટે તાત્‍કાલીક અસરથી વહીવટદારની નીમણુંક કરતો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં મંડળીના સભાસદ શ્રી યુનુસ માહમદભાઈ ખોરજીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા, રેનિશ માકડીયા રોકાયેલ છે.

(11:46 am IST)