Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પ્રથમ વરસાદે ચોટીલા થાનગઢમાં વિજ ધાંધીયાથી નાગરીકો ત્રાહીમામ

બાળકો, વૃધ્‍ધો, બિમાર લોકો ત્રસ્‍ત થતા રાત્રીના થાન કચેરીએ હલ્લો મચાવ્‍યો

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૧૪: ચોટીલા થાનગઢમાં વરસાદનાં પ્રથમ રાઉન્‍ડમાં જ વિજ કચેરીની પ્રિમોન્‍સૂન કામગીરીની પોલ જાણે ઉઘાડી પાડી હોય તેમ સોમવારના વરસાદમાં સતત વીજ પુરવઠાનું સતત આવન જાવન રહેતા લોકો બેબાકળા બની ગયેલ હતા અને થાનગઢમાં રોષે ભરાયેલા નાગરીકોએ રાત્રીના કચેરીએ હલ્લો મચાવ્‍યો હતો.

પવિત્ર યાત્રાધામ ચોટીલા પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં જ વિજ વિભાગ ની પ્રિ મોન્‍સૂન કામગીરી ની જાણે પોલ છતી કરી હોય તેવો તાલ સોમવારના વરસાદમાં સર્જાયો હતો

ચોટીલામાં બે - અઢી ઇચ વરસાદના કારણે શહેરમાં સતત ટ્રીપીંગ આવતા અનેક ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉપકરણોને ક્ષતિ પોહચી હતી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના અનેક ફીડરો બંધ રહેતા તંત્રની પોલમપોલના કારણે ઘણા ગામડાઓને અંધારપટ ભોગવવો પડ્‍યો હતો

મેઘાએ પોરો લઈ લીધાના કલાકો બાદ પણ ગામડાઓમાં વિજ પુરવઠો પૂર્વવત થયેલ ન હતો. PGVCL તંત્ર દ્વારા ગુરૂવારનાં કરાતા મેન્‍ટેનન્‍સ કાપ અને ચોમાસા પહેલા પ્રિમોન્‍સૂન કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી હશે તેવા સવાલ લોકોએ ઉઠાવ્‍યા હતા.

વરસાદ બાદ વિજ ધાંધીયા થી લોકો બેબાકળા બની ઉઠયા હતા પરંતું નાગરીકોની તંત્રને કારણે વેઠવી પડતી પીડા પાછળ વિસ્‍તારની વામળી નેતાગીરી હોવાનો સુર પણ જોવા મળેલ હતો

ઔદ્યોગિક નગર એવા થાનગઢ પંથકમાં પણ છેલ્લા બે દિવસ દરમ્‍યાન સામાન્‍ય વરસાદના ઝાપટા પડતા જ દિવસમાં ત્રણથી ચાર વખત બે બે કલાક સુધી વિજ પુરવઠા થી લોકો વંચિત રહેવું પડેલ હતુ.

લોકોએ સ્‍થાનિક કક્ષાએ રજૂઆત કરતા ચોમાસા પહેલાનું મેન્‍ટેનન્‍સ ન થયેલ હોવાની કેફીયત જાણવા મળેલ હોવાનું કહેવાય છે ત્‍યારે થાનગઢ ની ઔદ્યોગિક નગર છે મલાઇદાર કારખાનેદારોના થાબડભાણા કરતા તંત્ર ની નિતિ થી સામાન્‍ય નાગરીક ભોગ બની રહેલ છે.

શહેર અને ચોવીસીના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોના ફિડરો બંધ રહેતા લોકો કાળઝાળ બફારાથી અકળાઇ જતા રાત્રીના કચેરીએ હલ્લો મચાવ્‍યો હતો જયાં આગળ અપડાઉન કરતા કર્મચારીઓ ની ચોમાસામાં નોંધનીય ગેર હાજરી જોવા મળેલ હતી.

સમગ્ર મામલે રોષે ભરાયેલ લોકો સ્‍થાનિક આગેવાનો ની તંત્ર ઉપર કોઇ પકડ ન હોવાનું જણાવી ચોમાસા પહેલા પીજીવીસીએલ ની સજ્જતા ફકત કાગળ ઉપર જ રહી હોવાનો આક્ષેપ કરતા હતાᅠ

ચોટીલા થાનગઢની વિજ વિભાગ ની નબળાઈ તુરંત દૂર થાય અને વરસાદની મૌસમમાં નાના બાળકો , વૃધ્‍ધો અને બિમાર લોકો બફારાનો ભોગ ન બને તે માટે તંત્રવાહકો પાસે અપેક્ષા રાખી છે.

(12:18 pm IST)