Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં તળાવના કામો, ગ્રામ્‍ય પંથકમાં શિક્ષણ મુદે વિપક્ષો આક્રમક

નાની સિંચાઈ યોજનાના કામો બાકીના બાકી ખેડૂતોએ અરજી કર્યાના બે વર્ષ છતાં ડ્રમ નથી મળ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૪ :   મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભા   જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસલક્ષી એજન્‍ડાઓને બહાલી આપવામાં આવી હતી તો વિપક્ષોએ તળાવો ઊંડા ઉતારવા અને સિંચાઈના મુદે બઘડાટી બોલાવી હતી

મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં એજન્‍ડાઓને બહાલી આપવામાં આવી હતી તે ઉપરાંત પ્રમુખ સ્‍થાનેથી હાઈવેથી કોયબા ગામ સુધીના માર્ગનું વીર શહીદ વનરાજસિંહ ઝાલા નામકરણ કરવામાં આવ્‍યું હતું ઉપરાંત જીલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમ અંગે નિર્ણય કરતા પૂર્વે ચર્ચા કરવા પણ જણાવ્‍યું હતું

મોરબી જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં બિનખેતીની જમીન ઉપર લેવામાં આવતો ઉપકરનો મોરબી જિલ્લા એકસમાન રીતે લાગુ કરવા, જિલ્લા પંચાયતની સ્‍વભંડોળની રકમમાંથી વિકાસના કામોના અયોજનો કરવા, નાણાંપંચની ચાલુ વર્ષ માટે મળનારી ગ્રાન્‍ટ, સ્‍વભંડોળ સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ગ્રાન્‍ટના કામોની મુદત વધારવી, રેતી કંકર ગ્રાન્‍ટના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવી, નાણાપંચના કામોના આયોજનમાં હેતુફેર કરવા સહિતના એજન્‍ડાઓને બહાલી આપવામાં આવી છે. આજે પાણીનાપ્રશ્‍નોની વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી.

 જીલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં કોંગ્રેસ આગેવાન ભૂપત ગોધાણીએ મોરચો સંભાળ્‍યો હતો અને નાની સિંચાઈ યોજના, તળાવો ઊંડા ઉતારવાના કામે તડાપીટ બોલાવી હતી નાની સિંચાઈ યોજના કોભાંડ ખુલ્‍યા બાદથી કામો બંધ છે જે હજુ સુધી શરુ કરવામાં આવ્‍યા નથી તે મુદે શાસક પક્ષને ઘેરવામાં આવ્‍યો હતો તો જીલ્લામાં ૩૩૪ કામો બાકી હોય અને નાની સિંચાઈ યોજના વિભાગમાં માત્ર ૨ કર્મચારી હોવાનું પણ જણાવ્‍યું હતું

  ૨૫૧ શિક્ષકોની ઘટ, ૧૯ શાળામાં એક જ શિક્ષક

મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદો પણ આજે ગુંજ્‍યો હતો જે મામલે કોંગ્રેસ નેતા ભૂપત ગોધાણીએ જણાવ્‍યું હતું કે જીલ્લામાં ૧૯ શાળામાં માત્ર એક જ શિક્ષક છે અને ૨૫૧ શિક્ષકોની ઘટ છે ઉપરાંત બે શાળાઓ બંધ કરવામાં આવી છે જેથી શિક્ષકોની ઘટ તાકીદે પૂર્ણ કરવા અને ભરતી કરવા તેઓએ માંગ કરી હતી તે ઉપરાંત ખેડૂતો માટે ડ્રમ યોજનામાં ૩૧ હજારથી વધુ અરજી કરવામાં આવી હતી જોકે હજુ કાઈ મળ્‍યું નથી અને ખેડૂતો સાથે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે તેમ પણ જણાવ્‍યું હતું.

(1:29 pm IST)