Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભાણવડમાં પોણો ઇંચ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં છૂટો છવાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલની વરસાદની શરૂઆત ભાણવડ પંથકમાંથી થઇ હતી તથા ભાણવડમાં એક વખત ૧પ તથા બીજી વખત ત્રણ મળી ૧૮ મીમી વરસાદ પડયો હતો. જયારે ખંભાળિયાના કંડોરણા, વથણા, તાતેલ, ભાડથર સહિતના વિસ્‍તારોમાં પણ અડધાની પોણો ઇંચ વરસાદના ઝાપટા પડયા હતા.

સમગ્ર જિલ્લામાં ગઇકાલે વરસાદી વાતાવરણ વચ્‍ચે માત્ર હળવા ઝાપટા જ પડયા હોય ખેડૂતો વધુ વરસાદની રાહ જુએ છે.

ખંભાળિયા-સલાયા માર્ગ પરના સોડસલા, હરીપર, વિસોત્રી સહિતના ગમોમાં ભારે વરસાદી ઝાપટા વરસ્‍યા હતાં.

આ સાથે દ્વારકા તાલુકાના ઓખામંડળ વિસ્‍તારમાં આજે સવારે ઘટાટોપ વાદળો બાદ વરસાદ વરસ્‍યો હતો. જેમાં ઓખા નજીકના નાગેશ્વર, સુરજકરાડી, મીઠાપુર, હમુસર, વિગેરે વિસ્‍તારોમાં વિસેક મિનિટ સુધી વરસાદી ઝાપટા વરસ્‍યા હતા. જો કે દ્વારકામાં મેઘરાજાની ગેરહાજરી રહી હતી.

ગઈકાલે પ્રથમ વરસાદના પગલે વાતાવરણમાં થોડો સમય ઠંડક બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધ્‍યું હતું. ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના કેટલાક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું

સોમવારે વરસાદના પ્રથમ રાઉન્‍ડ વચ્‍ચે હળવા ઝાપટાં વરસતા ની સાથે જ ખંભાળિયા શહેરનો જુદા જુદા વિસ્‍તારોનો વીજ પુરવઠો લાંબો સમય સુધી ખોરવાઈ ગયો હતો. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં લોકો ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા અને વીજતંત્રની પ્રીમોન્‍સુન કામગીરી સામે સવાલો ઉઠયા હતા.

આ જ રીતે સુરજકરાડી અને ઓખા વિસ્‍તારમાં પણ ગઈકાલે બપોરના સમયે ચારેક કલાક સુધી વીજ વિક્ષેપ સર્જાતાં લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.R

(1:42 pm IST)