Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મેંદરડામાં ઝડપાયેલ હનીટ્રેપ ગેંગનો ભોગ બન્‍યા હોય તો પોલીસને ફરિયાદ કરવા અપીલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૪: તાજેતરમાં મેંદરડા ખાતે હની ટ્રેપમાં ફસાવાનાર (૧) મહિલા આરોપી કિરણબેન હિતેશભાઈ ખટારિયા રહે. બીએસએનએલ ઓફીસ સામે, જૂનાગઢ, (૨) ભાવેશ ઉર્ફે ભાવિન ગંગારામ દાસા રહે. ગાંધી સોસાયટી, કેશોદ (૩) પરેશ મંછારામ દેવમુરારી રહે. આજી ડેમ ચોકડી, રાજકોટ તથા (૪) દિનેશ અમૃતભાઈ ઠેસિયા રહે. મજેવડી તા.જી.જૂનાગઢને ફરિયાદી પાસે માંગેલ ખંડણીના રૂપિયા લેવા આવતા, કાઉન્‍ટર ટ્રેપ કરીને પકડી પાડવામાં આવ્‍યા હતા.

પકડાયેલ આરોપીઓ પૈકી મહિલા આરોપી કિરણબેન દ્વારા ફરિયાદી પરસોત્તમ બેચરભાઈ વઘાસિયા ના પુત્ર મનીષ વઘાસિયા ને મોબાઈલ ફોન કરી, કેશોદ પોતાના ઘરે બોલાવેલ અને બને ભેગા થયા તરતજ બાકીના ત્રણેય આરોપીઓ પરેશ દેવામુરારી, દિનેશ ઠેસીયા અને ભાવેશ દાસા આવી તમે આ મહિલા સાથે બદકામ કર્યું હોવાનો આરોપ નાખી મુંઢ માર મારી, ભોગ બનનાર મનીષ વઘાસિયા ના મોબાઈલ ફોનમાં થી જ મનીષના પિતા ફરિયાદી પરસોતમભાઈ વઘાસિયા પાસે રૂપિયા ૧૦ લાખ ખંડણી માંગી, ત્‍યારબાદ જ મનીષને છોડવા જણાવતા, ફરિયાદીએ મેંદરડા પોલીસનો સંપર્ક કરતા, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઈ હરેન્‍દ્રસીંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, મેંદરડા પીએસઆઈ કિરીટસિંહ મોરી તથા સ્‍ટાફની જુદી જુદી ટીમ દ્વારા હનિ ટ્રેપના આરોપીઓ ફરિયાદી પાસે વાડલા ફાટક નજીક રૂપિયા લેવા આવતા, હની ટ્રેપ સામે કાઉન્‍ટર ટ્રેપ કરી, તમામ આરોપીઓને પકડી પાડી, અપહૃત મનીષ વઘાસિયા ને છોડાવી, આરોપીઓ એ ગુન્‍હામાં વાપરેલ બે મોટર સાયકલ અને એક કાર સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો હતો.

મેંદરડા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ કે.એમ.મોરી તથા સ્‍ટાફ દ્વારા પકડાયેલ આરોપીઓને નામદાર મેંદરડા કોર્ટમાં રજૂ કરી, પકડાયેલ આરોપીઓ બીજા કોઈ ગુન્‍હામાં સંડોવાયેલ છે કે કેમ..? બીજા કોઈ ગુન્‍હામાં વોન્‍ટેડ છે કે કેમ...? એ બાબતે દિન ૦૧ પોલીસ રિમાન્‍ડ મંજૂર કરવામાં આવેલ છે. મેંદરડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ દ્વારા અન્‍ય લોકો સાથે પણ હની ટ્રેપ કરી, રૂપિયા પડાવ્‍યાની શક્‍યતાઓ હોઈ, કોઈ આ હની ટ્રેપ ગેંગનો ભોગ બનેલ હોય તો, પોલીસનો સંપર્ક કરવા જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(5:38 pm IST)