Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

માનસિક રીતે અસ્‍વસ્‍થ કલ્‍યાણપુરની યુવતી પર અજાણ્‍યા શખ્‍સ દ્વારા દુષ્‍કર્મ

જામ ખંભાળિયા,તા. ૧૪: કલ્‍યાણપુર પંથકમાં રહેતી આશરે સવા અઢાર વર્ષની અને માનસિક રીતે અસ્‍વસ્‍થ એવી એક યુવતી પર તેણીના પરિવારજનોની ગેરહાજરીમાં દુષ્‍કર્મ ગુજારી, ગર્ભ રાખી દેવા બદલ અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્‍યાણપુર તાલુકામાં રહેતી ૧૮ વર્ષ અને ચાર માસની વયની એક યુવતીની છેલ્લા ઘણા વર્ષોથી માનસિક પરિસ્‍થિતી સારી ન હોય અને તેણી સારી ખરાબ પરિસ્‍થિતિ અંગે વિચાર કરવા અક્ષમ હોવાથી તેના પરિવારજનો તમામ રીતે સહાયભૂત થતા હતા.

શ્રમિક પરિવારની આ યુવતીના માતા-પિતા દિવસ દરમિયાન મજૂરીકામ માટે જતા હોય અને તેણી ઘરમાં એકલી હોવાથી તેણીની માનસિક બીમારીનો ગેરલાભ લઈને કોઈ અજાણ્‍યા શખ્‍સે તેણીની સાથે શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહિ, આ દુષ્‍કૃત્‍યથી તેણી હાલ આશરે સાડા ત્રણ માસનો ગર્ભ ધરાવતી હોવાનું પણ પરિવારજનોના ધ્‍યાને આવ્‍યું હતું.

આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર માનસિક અસ્‍વસ્‍થ યુવતીના પરિવારજનોની ફરિયાદ પરથી કલ્‍યાણપુર પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે આઈ.પી.સી. કલમ ૩૭૬ (૨) વિગેરે મુજબ ગુનો નોંધી, આ પ્રકરણ અંગેની આગળની તપાસ કલ્‍યાણપુરના પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

માનસિક રીતે અસ્‍વસ્‍થ એવી યુવતી પર કરવામાં આવેલા દુષ્‍કર્મ તથા ગર્ભ અંગેના આ બનાવથી આરોપી તત્‍વો સામે લોકોમાં ફિટકારની લાગણી પ્રસરી છે.

મીઠાપુરની સગીરાના અપહરણ સબબ આરંભડાના શખ્‍સ સામે ગુનો

ઓખા મંડળના મીઠાપુર વિસ્‍તારમાં રહેતી એક પરિવારની આશરે ૧૪ વર્ષની સગીર પુત્રીને આરંભડા વિસ્‍તારમાં રહેતો વિજય કમલેશભાઈ ચિત્રોડા નામનો શખ્‍સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતાએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્‍સો એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્‍ચાર્જ પી.આઈ. પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:54 pm IST)