Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પોરબંદરમાં ખાણીપીણીના ધંધાર્થીઓનું ફુડઝોનમાં સ્થળાંતર કરવા નગરપાલિકાનું દબાણ : કોંગ્રેસમાં રોષ

પોરબંદર,તા. ૧૪ :  નગરપાલિકાના ચીફ ઓફિસરે આદેશ કરીને શહેરમાં કોઇપણ જગ્યાએ  ખાણીપીણીની હરતી ફરતી રેંકડી ઉભી રાખવાની મનાઇ ફરમાવીને બધી રેકડીઓનું ચોપાટીના ફડઝોન  પર સ્થળાંતર કરવાના તઘલખી નિર્ણય સામે પોરબંદર કોંગ્રેસ દ્રારા આક્રોશ ઠાલવવામાં આવ્યો  છે અને આ દાદાગીરી ચલાવી લેવાય નહીં એમ જણાવીને પાલિકાના આ નિર્ણય  સામે કોર્ટમાં જવાની ચેતવણી પણ આપી છે. 

નગરપાલિકાના ચીફ ઓફિસરે સુચના આપી છે કે શહેરમાં ચોપાટી પાસે,  વેજ ફૂડઝોન બનાવાયું છે માટે ખાણીપીણીના ધંધાર્થીઓએ ત્યાં સ્થળાંતર કરવું  અન્યથા શહેરની રેકડીઓ જપ્ત થશે. આ પ્રકારના ફરમાન સામે કોંગ્રેસ દ્રારા આક્રોશ  ઠાલવીને વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને કોગ્રેસના સીનિયર  આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારિયા, વિપક્ષી નેતા જીવનભાઇ  જુંગી, ઉપનેતા ફારૂકભાઇ સુર્યા, દંડક ભરતભાઇ ઓડેદરા સહિત યુવક કોગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ  પરમારે મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચીફ ઓફિસર દ્વારા નાના ધંધાર્થીઓના  પેટ ઉપર પાટું મારવા કરવામાં આવેલ મનઘડત નિર્ણય સામે અમારો વિરોધ છે. પોરબંદર શહેરમાં  વર્ષોથી અલગ-અલગ વિસ્તારમાં ખાણીપીણીની રેકડીઓ ઉભે છે અને તેઓ ટ્રાફિકને અડચણરૂપ  નહીં પરંતુ પાલિકાના સત્તાધીશોએ જ્યાં જગ્યા ફાળવી છે ત્યાં તેને ઉભી રાખવામાં આવી છે.

(1:53 pm IST)