Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પોરબંદરના દરિયામાં તણાયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો

સેલ્ફી લેતા બાળક તણાઈ ગયો હતોઃઆ સિઝનમાં બાળકોને લઈને દરિયા કિનારા પર જતા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો માનવામાં આવી રહ્યો છે

પોરબંદર , તા.૧૪ : પોરબંદરના કુછડી ગામ પાસે આવેલા ખિમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં નજીકમાં દરિયા કિનારે સેલ્ફી લઈ રહેલો પરિવાર મોજાની થપાટથી તણાયો હતો, જેમાં બે મહિલાઓને બચાવી લેવામાં આવી હતી જ્યારે બાળકનો દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનામાં ફાયર બ્રિગડની ટીમને શોધખોળ દરમિયાન દરિયામાંથી સોમવારે રાત્રે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગરનો પરિવાર પોરબંદર ફરવા માટે આવ્યો હતો આ દરમિયાન દરિયા કિનારે સેલ્ફી લેતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સ્થાનિકોએ તણાયેલી મહિલાઓને બચાવી લીધી હતી પરંતુ બાળકનો પત્તો લાગ્યો નહોતો.જામનગરથી પોરબંદર ફરવા આવેલો પરિવાર જ્યારે દરિયા કિનારે ઉભો રહીને સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે અચાનક આવેલા મોજાએ તેમને ખેંચી લીધા હતા. જેમાં બે મહિલાઓને બચાવી લેવામાં આવી હતી પરંતુ ધ્રૂવ ત્રિવેદી નામના બાળકની ભાળ મળી નહોતી.રિપોર્ટ્સ મુજબ દરિયામાં તણાવાના કારણે ઘાયલ થયેલી મહિલાઓને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યારે દરિયામાં ડૂબેલા બાળકની શોધખોળ પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાત્રે અઢી વાગ્યાની આસપાસ બાળકનો દરિયામાંથી મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. આગળની તપાસ માટે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પરિવાર તણાવાની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સાથે પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે જવાબદાર લોકો સામે પગલા પણ ભરવામાં આવી શકે છે.સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. જેમાં હવામાનમાં થતા ફેરફારના લીધે દરિયામાં સામાન્ય દિવસો કરતા વધારે ઊંચા મોજા ઉછળતા હોય છે અને આ દરમિયાન માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવતી હોય છે. આમ છતાં પ્રવાસીઓ વાત માન્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે.આ સિઝનમાં બાળકોને લઈને દરિયા કિનારા પર જતા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો માનવામાં આવી રહ્યો છે.

 

(7:51 pm IST)