Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

18મીએ પીએમ મોદી યાત્રાધામ પાવાગઢમાં :16મીથી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ રહેશે બંધ

વડાપ્રધાન મોદી નીજ મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ વિવિધ વિકાસના કામોના નિરીક્ષણ અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન મોદી આગામી 17 અને 18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન 18 જૂને પંચમહાલ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીજ મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ વિવિધ વિકાસના કામોના નિરીક્ષણ અને લોકાર્પણ માટે આવવાના છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બીજી તરફ વડાપ્રધાનની મુલાકાતને લઈને આગામી 16 જૂન બપોરે 3 કલાકથી 18 જૂન સુધી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. વડાપ્રધાનની સુરક્ષા અને ભક્તજનોને અગવડ ન પડે તેને ધ્યાને રાખીને આ નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 18મી જૂનના રોજ દેશના વડાપ્રધાન મોદી મુલાકાત લેવાના છે. જે અંગેની સત્તાવાર જાહેરાત પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે કરવામાં આવી છે. આગામી 18મી જુનના રોજ પાવાગઢ નિજ મંદિર ખાતે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા બાદ પાવાગઢ મંદિરમાં સદીઓ બાદ ધ્વજારોહણ કરશે. ધ્વજારોહણ બાદ પીએમ મોદી મંદિર પરિસરમાં જ ટૂંકું પ્રવચન આપશે. બાદમાં પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને નિરીક્ષણ પણ કરશે. બાદમાં વડોદરા ખાતે જવા રવાના થશે.

પાવાગઢ ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સુરક્ષાને લઈને પાવાગઢ મંદિર આગામી 16મી જૂન બપોરના 3 વાગ્યાથી 18મી જૂન બપોરના 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર આમંત્રિતો સિવાય અન્ય તમામ લોકો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.પીએમ મોદી વડોદરા જતા પહેલા હાલોલ તાલુકાના જેપુરા ગામમાં આવેલા વિરાસત વનની પણ મુલાકાત લેવાના છે.

વર્ષ 2011માં રાજ્યના 62માં વન મહોત્સવની ઉજવણી તે વખતના મુખ્યમંત્રી મોદીની  ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને તે વખતે વિરાસતવનનું લોકાર્પણ કર્યું હતું. જે વિરાસત વનમાં  મોદીએ વૃક્ષારોપણ કર્યું હતું, તે વૃક્ષનું વડાપ્રધાન મોદી નિરીક્ષણ કરવાના છે. ત્યારે પાવાગઢ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(8:26 pm IST)