Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મોબાઈલમાં અશ્લીલ વિડિયો નિહાળીને બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી

કોડીનારના જંત્રાખડી ગામમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મોટો ખુલાસો

ગીર સોમનાથના કોડીનારના જંત્રાખડી ગામમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મોટો ખુલાસો થયો હતો. આરોપી શામજીએ મોબાઈલમાં અશ્લીલ વિડિયો નિહાળીને બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલાને લઈને હવે ગામ લોકોમાં આરોપી શામજી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોડીનારના જંત્રાખડી ગામમાં નરાધમ શામજી સોલંકીએ બાળા પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી તેના મૃતદેહને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધો હતો. અને ત્યાર બાદ જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકમાં જ ગામના નરાધમ શામજીને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી.

સમગ્ર મામલાને લઈને જંત્રાખડી ગામમાં આજે પણ હવસખોર આરોપી શામજી સોલંકી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામની મહિલાઓ આરોપી શામજીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તેને સજા માટે ગામની મહિલાઓને સોંપી દેવામાં આવે આવી ઉગ્ર માંગ કરી રહી છે. ગામ લોકોએ તાકીદે સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરીને આરોપીને મોતની સજા આપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામેની આઠ વર્ષની માસૂમ બાળકીને ઘરમાં બોલાવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી પોતે પકડાય નહીં તેના માટે દીકરીને મોતને ઘાટ ઉતારી દઈ મૃતદેહને કોથળામાં ભરી અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો.

(12:46 am IST)