Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર લોડીંગ ઓપરેશન દરમ્યાન મહાકાય ક્રેન ઉપરથી રેલ્વે ડીઝલ એન્જિન પટકાયું: સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) મુન્દ્રા પોર્ટ ઉપર શીપમાં લોડ કરતી વેળાએ રેલ્વે ડીઝલ એન્જિન ઉપરથી નીચે પટકાઈ જવાના બનાવે ચિંતાનો માહોલ સર્જ્યો હતો. જોકે, આ ઘટના દરમ્યાન કોઈ જાનહાનિ થઈ ન હોઈ સૌ એ રાહતનો શ્વાસ લીધો છે. આ બનાવ ગઇકાલે મુન્દ્રા અદાણી પોર્ટની સીટી જેટી ન. ૩ ઉપર બન્યો હતો. અતિભારે અને મહાકાય માલ સામાનની હેરફેર માટે આમ તો અદાણી પોર્ટ ઉપર હાઇફાઇ ક્રેનો સાથેની અદ્યતન સામગ્રી છે. સુરક્ષાના નિયમોના પાલન વચ્ચે ગઇકાલે બનેલા આ બનાવ બાદ પોર્ટ સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે. ક્રેન ઉપરની સ્લેબ તૂટતાં ડીઝલ એન્જિન સીધું જ નીચે પટકાયું હતું. આ ઓપરેશન સમયે નીચે ૧૦ થી ૧૨ લોકો હતા. પણ, તમામ સાવચેતી સાથે નીચેથી હટી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો.

(9:36 pm IST)