Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ધર્મશ્રધ્ધા મજબુત હોવી જરૂરી છે : પૂ. રમેશભાઇ ઓઝા

ભવનાથ ખાતે કથાગંગા પ્રસંગે મિડીયા સાથે સંવાદ : સંયમથી જ કોરોનાનું ત્રીજુ મોજું ખાળી શકાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૪ : વર્તમાન સમયમાં ધર્મશ્રધ્ધા મજબુત હોવી જરૂરી છે અને સંયમથી જ કોરોનાનું ત્રીજું મોજુ ખાળી શકાશે. તેમ ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું.

જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ ખાતે ચાલી રહેલી ગિરનારી ભાગવતી કથાગંગાના ત્રીજા દિવસની ઢબતીનું સાંજે મિડીયા સાથે સંવાદ કરતાં પૂ.ભાઇશ્રીએ જણાવેલ કે હાલનો સમય ખૂબ જ વિપરીત છે પરંતુ કોઇને પણ ન ગમે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. કોરોનાને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ સ્વજને જોઇ શકાતા નથી અને તેના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી હતી એવી પીડા સૌકોઇ સહન કરી રહ્યા છીએ.

તેમણે જણાવેલ કે પાણી જેવી લચીલી અને નરમ કોઇ ચીજ નથી કોરોનાથી રસ્તો કરીએ તો જ જીંદગી આસાન થશે અને શ્રધ્ધાની સામે માનવતા દોડતી રહેવી જોઇએ.

કથા સત્સંગના માધ્યમથી જ સ્થિતી હળવી થઇ શકે. ધાર્મિક ગ્રંથોથી જ માર્ગ આસાન થઇ શકે છે. અને કોરોનાનાં ત્રીજા મોજાને ખાળવા માટે હજુ વધુ સંયમ જાળવવો આવશ્યક છે.

પૂ.ભાઇશ્રીએ કોરોનાની બીજી લહેર દરમ્યાનની કપરી સ્થિતી અંગે ખેદ અને દુઃખ વ્યકત કરતા જણાવેલ કે કોરોનાના દર્દીઓને  ઓકિસજન વગેરે સરળતાથી મળી રહે તે માટે સાંદીપની આશ્રમ -પોરબંદરની સેવાકીય પ્રવૃતિ શ્રેષ્ઠ રહી હતી. જેમાં કાયમએ માટે ૨૦ હજાર લીટરની ઓકિસજનની ટેન્ક ઉપલબ્ધ કરવામાં આવી છે.

તાજેતરમાં વાવાઝોડાની અસરગ્રસ્ત થયેલા બરડાના દુગર્મ વિસ્તારમાં રહેતા માલધારીઓ વગેરે માટે સાંદીપની આશ્રમે વિલાયતી નળિયા અને ભારેખમ રાશનકીટનું વિતરણ કર્યું હતું.

તેઓએ ગિરનાર તળેટીમાં થતી અલૌકિક અનુભુતીથી ખુશી વ્યકત કરી હતી. અને કથા ગંગા માટે મહંત શ્રી શેરનાથબાપુ તેમજ તેમના સેવકો દ્વારા કરાયેલી વ્યવસ્થાની પ્રસંશા કરી હતી.

આ તકે ગોરક્ષનાથ આશ્રમનાં મહંતશ્રી શેરનાથ બાપુએ જણાવેલ કે, નાથ સંપ્રદાયમાં ભજન-ભોજન અને સત્સંગનું  આગવું સ્થાન છે. પૂ.ભાઇશ્રી આશ્રમ ખાતેથી પ્રથમ કથાથી ગિરનાર દત્ત અને ગોરક્ષનાથજીને કથા શ્રવણનો લાભ મળ્યો છે.

આ તકે સાંદીપની આશ્રમનાં ભાઇશંકરભાઇ તથા હાર્દિકભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)