Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણ નદીના પુલ ઉપર પાણી : વાહન ચાલકો મુશ્કેલીમાં, નિકાલ જરૂરી

પ્રભાસપાટણ, તા., ૧૪: વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણ નદી ઉપર વર્ષો જુનો પુલ આવેલ છે અને આ પુલ ઉપર પાણીના નિકાલ કરવામાં આવેલ નથી જેથી પાણી ભરાયેલ છે અને પાણી ભરાવાને કારણે ડામર નિકળી જવાથી ખાડા પડી ગયેલા છે. અને પાણી ભરાવાથી ખાડાનો અંદાજ આવતો નથી અને વાહન ચાલકો ખુબ જ હેરાન થાય છે. બાઇકો પડવાના બનાવો પણ બને છે.

વેરાવળ-કોડીનારને જોડતો હાઇવે રોડ ઉપરનો એક માત્ર પુલ છે. આ પુલને જો કોઇ નુકશાન થાય તો સંપુર્ણ હાઇવે બંધ થઇ જાય તેમ છે. આટલો મહત્વનો પુલ હોવા છતા તંત્ર દ્વારા તેની તરફ ધ્યાન આપવામાં આવતુ નથી. આ પુલ ઉપરથી સતત વાહનોની અવરજવર રહે છે. કારણ કે આ વિસ્તારમાં જી.એચ.સી.એલ કંપની, સિધ્ધી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, જી.આઇ.ડી.સી. સહીતના ઉદ્યોગોના મોટા-મોટા હેવીવેટ ટ્રકો અને અન્ય વાહનોથી સતત પુલ ઉપર ટ્રાફીક રહે છે અને તેમાં ખાડા પડવાને કારણે પુલ ઉપર ભારે વાહનોના થડકાને કારણે પુલ વધુ નબળો પડે છે. જેથી પુલ ઉપર પાણી નિકાલ માટે તાત્કાલીક વ્યવસ્થા કરવી જરૂરી છે.

આ પુલ ઉપરથી ટુ વ્હીલરવાળા વાહન ચાલકો હેરાન થાય છે. પાણી ભરાયેલ હોવાથી તેમને ખાડાનો અંદાજ આવતો નથી અને ગાડી પડી જવાના બનાવો બને છે. જુનો પુલ હોવા છતા સારો છે. પરંતુ અત્યારના જવાબદાર લોકોની બેદરકારીને કારણે આ અતિ મહત્વના પુલની સાર સંભાળ રખાતી નથી તો તાત્કાલીક પાણીના નિકાલ કરીને ખાડા રીપેર કરે તેવી લોકોની માંગણી છે.

(11:37 am IST)