Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પોરબંદરમાં પોણા ત્રણ ઇંચઃ રાણાવાવમાં એક ઇંચ

જિલ્લામાં સાંજે તથા રાત્રીના સમયાંતરે જોરદાર ઝાપટા વરસ્યાઃ સવારે ધુપછાંવ અને બફારોઃ કાંઠે ૩ નંબરનું સિગ્લન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ :.. પોરબંદર શહેર-જિલ્લામાં ગઇકાલે સાંજે તથા રાત્રી દરમિયાન વરસાદના જોરદાર ઝાપટા સમયાંતરે વરસ્યા હતાં પોરબંદર શહેરમાં સવાર સુધીમાં પોણા ત્રણ ઇંચ, રાણાવાવમાં એક ઇંચ તથા કુતિયાણામાં ઝાપટુ વરસી ગયું હતું દરિયાકાંઠે  આજે બીજા દિવસે ૩ નંબરનું સિગ્નલ ચાલુ  રાખેલ છે. માછીમારોને દરિયો નહી ખેડવા ચેતવણી અપાઇ છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર પ૮ મી. મી. (૧ર૮ મી.મી.), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૬૪.૪ મી. મી. (૧૩૯,૪ મી. મી.) નોંધાયો છે. રાણાવાવ ર૬ મી. મી. (ર૮ મી. મી.) કુતિયાણા ૩ મી. મી. (૧૩૯ મી. મી.) નોંધાયો છે. ઘેડ પંથક ગ્રામ્યમાં સરેરાશ અર્ધાથી ર ઇંચ વરસાદ વરસી ગયો હતો. પાતા (ઘેડ) ગોરસર, મોચામાં સરેરાશ ર ઇંચ તેમજ ઘેડના મંડેર ઘોડાસર વગેરે ગામોમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

શહેર જિલ્લામાં આજે સવારે ધાબડીયુ વાતાવરણ અને બફારો છે.

બંગાળની ખાડીમાંથી શરૂ થયેલ લો-પ્રેસર કેરેલા તરફ જવાને બદલે યુ-ટર્ન લેતા સૌરાષ્ટ્ર કાંઠાને બદલે ઓમાન બાજુ ગયેલ અને ઓમાનથી સૌરાષ્ટ્ર કાંઠા ઉપર આવતા અસરરૂપે દરિયાકાંઠે બફારો અને ઝાપટા વરસી જાય છે. માછીમારોના જણાવ્યા મુજબ દરીયામાં સાયકલોન જેવું વાતાવરણ છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૦.૪ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ર૬ સે.ગ્રે. સવારનું ઉષ્ણાતામાન ર૮.ર સે.ગ્રે. પવન ૧૦ કી. મી. હવાનું દબાણ ૯૯૯,પ એચ. પી. એ સૂર્યોદય ૬.૧૭ તથા  સૂર્યાસ્ત ૭.૩૮ મીનીટે.

(12:48 pm IST)